ઝૂમણાની ચોરી ( ઝવેરચંદ મેઘાણી સાહિત્ય )

#એક_આયર_ને_બીજો_કાઠી
#share અવશ્ય કરો

ઝૂમણાની ચોરી – ( ઝવેરચંદ મેઘાણી સાહિત્ય )

ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામે એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠાં બેઠાં કસુંબાની કૅફ કરીને કાઠી પોતાનું દુ:ખ વીસરતા હતા. પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વીસરવાનો એકેય ઉપાય નહોતો. મહેમાનોનાં ભાણાં સાચવવાં અને મોળપ કહેવાવા ન દેવી, એવી એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી. એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાને હવે પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાઈ ઘોડાં ખૂંદી રહ્યા હતા. વહુ મોટાં થયાં હતાં. પણ વેવાઈની સાથે કાંઈક રૂપિયા ચૂકવવાનો કરાર હતો તે વિધ્ન હતું.

‘ કાઠી !’ આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા, ‘કાઠી, આમ કાંઈ આબરૂ રે’શે ? તમારું તો રૂંવાડુંય કાં ધગતું નથી ? વેશવાળ તૂટશે તો શું મોઢું દેખાડશો ?’

‘ ત્યારે હું શું કરું ?’

બીજું શું ? ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યાં છે, તે આજ તો એકાદાને ઉંબરે જઈ રૂપિયા હજારનું વેણ નાખો ! આપણે ક્યાં કોઈના રાખવા છે ? દૂધે ધોઈને પાછા દેશું.’ આપા કાળાને ગળે ઘૂંટડો ઊતર્યો. એણે નજર નાખી જોઈ. મનમાં થયું કે, ” વંડે પહોંચું.. ભૂવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે, ભગવાને એને ઘેર માયા ઠાલવી છે, લાવ્ય.. ત્યાં જ જાવા દે.
વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને કાળા ખુમાણ એટલે કે આપા કાળા વંડે ગયા. ભૂવો આયર મોટો માણસ હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. કાળા ખુમાણને આવે વખતે એ ટેકો આપેય ખરો. પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ન મળે. ગામતરે ગયેલા. ઘરમાં આયરાણી હતાં. તેણે આપાને તાણ કરીને રાત રોક્યા. વાળુ કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી : ‘બાપ ! બોન ! લાખાનો વિવા કરવાની ઉતાવળ છે. રૂપિયા હજાર સારુ થઈને મારે જમીન મેલવા ન જાવું પડે તેવી આશાએ હું આંહીં ભાઈને મોઢે થવા આવ્યો, પણ ભાઈ તો ન મળે.’

રસોડામાંથી આયરાણીએ કહેવરાવ્યું : ‘આયર તો લાંબે ગામતરે ગયા છે.’

‘ હશે બાપ..જેવાં મારાં તકદીર. સવારે હું વહેલો ઊઠીને ચડી નીકળીશ.’

રાતે બાઈએ વાળંદને કહ્યું : ‘આપાને માટે હું વાપરું છું તે ગાદલું નાખજે. અને મારો ઓછાડ કાઢી લઈને નવો ઓછાડ પાથરજે.’ વાળંદ ગાદલું ઢાળીને ઓછાડ ઉપાડે, ત્યાં તો ગાદલાની અંદર સોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશીકે મૂકે. બાઈએ આગલી રાતે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરતચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી. આપાને પોઢાડી, ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું :

‘આ લે. સંતાડી દે.’

‘આ ક્યાંથી લાવ્યા ? આ તો માનું ઝૂમણું !’ બાકી ચોંકી ઊઠી.

‘ચૂપ રે, રાંડ ! તારે એની શી પંચાત ! ઝટ સંતાડી દે.’

‘અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો જરે.’

હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું, અને આખો પાટિયો ચૂલાની આગોણમાં દાટી દીધો. ભળકડું થયું એટલે આપો કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. ઘેર જઈને આઠ સાંતીમાંથી ચાર સાંતી જમીન વાણિયાને થાલમાં માંડી દીધી. જમીન માથે રૂપિયા હજાર લીધા અને દીકરાનાં લગ્ન કર્યાં.

અહીં, વંડાના દરબારમાં શું બન્યું ? આપા કાળા ખુમાણ સિધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભર્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂંમણું ન મળે. વાળંદને બોલાવ્યો ને પૂછ્યું : ‘એલા, ઝૂમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું ?’ હજામ કહે : ‘માડી, મને ખબર નથી.’

બાઈ સંભારવા લાગ્યાં : ‘તંઈ કોણે લીધું હશે ?

વાળંદ બોલ્યો : ‘હેં મા, આપો કાળો ખુમાણ તો નહિ લઈ ગયા હોય ને ?’

‘ઈ શું કામ લ્યે ?’

‘રાતે વાત કરતા’તા કે દીકરાના લગનમાં એક હજાર રૂપિયાની જરૂર હતી.’

‘હા વાત ખરી. પણ કાંઈ છાનામાના લઈ જાય ?

‘એમાં શું, માડી ? મારા બાપુને એને ભાઈબંધી ખરી ને ! પૂછીને લેતાં શરમ આવે. મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ. બાપડાને જરૂર ખરીને ! એટલે બહુ વિચાર નયે કર્યો હોય !

‘હા, વાત તો ખરી લાગે છે, બાઈને ગળે ઘૂંટડો ઊતરી ગયો !

થોડે દિવસે ભૂવો આયર ગામતરેથી ઘેરે આવ્યા. બાઈએ એને બધી વાત કહી. ઝૂમણાની વાત એને પણ ગળે ઊતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા એક હજારનું ઝૂમણું ! કળવકળથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો.

ધામધૂમથી દીકરાનાં લગ્ન પતાવીને, જાણે નવ ખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીમાં બેઠા બેઠા ડુંઘાની ઘૂંટ તાણતા હતા. દીકરાનાં વહુ કોઈ સારા કુળમાંથી આવેલાં એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કસુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાંસળી ભરી ભરી મોકલતાં અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. ચાર સાંતની જમીન ચાલી ગઈ તેનો કાંઈયે અફસોસ નથી રહ્યો – દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે, તેની જાણે જીવતી મૂર્તિ ! ખેપિયે ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું : ‘ગાદલામાંથી ઝૂમણું લઈ ગયા છો, તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખરચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો.’ ભરનીંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથકડી પહેરાવે તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થઈ ગયું. માનવીને માથે આભ તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી. પણ કાઠીનો દીકરો, ઘૂંટડો ગળતાં આવડે. ખેપિયાને જવાબ લખી આપ્યો – લખ્યું : ‘હા, ઝૂમણું લાવ્યો છું, ઘરેણે મુકાઈ ગયું છે. છોડાવીને થોડા વખતમાં આવું છું.

જે બાકીની ચાર સાંતની જમીન રહી હતી તે માંડી કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા. નવું સોળવલા હેમનું ઝૂમણું ઘડાવ્યું. ઝૂમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતાં એને વિચાર આવે છે કે ‘આ ઝૂમણું અમારું નહિ, એમ કહેશે તો ! ઝૂમણા ઉપરવટ કાંઈ રકમ માગશે તો ? તો આ ઘોડી આપીશ. અને એટલેથી પણ નહીં માને તો ? એથીય એના ઝૂમણાની વધારે કિંમત માગશે તો ? મરીશ !’ પડખામાં તરવાર તૈયાર હતી.

ડેલીની ચોપાટમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઊઠીને હાથ લંબાવ્યા : ‘ઓહોહો ! આવો, આવો, કાળા ખુમાણ ! પધારો.’ એમ આવકાર દીધો, બેસાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાંઠ છોડવા માંડી, બોલ્યા : ‘ભાઈ ! આ તમારું ઝૂમણું, સંભાળી લ્યો.’

‘ઊભા રહો, ઊભા રહો. ડાયરાને કસુંબા લેવા બોલાવીએ. ઝૂમણાની ક્યાં ઉતાવળ છે, આપા કાળા !’ કાળા ખુમાણના રામ રમી ગયા. એને પૂરેપૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડાયરામાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા મંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછીતે નાડાછોડ કરવા બેઠા. અચાનક એના કાન ચમક્યા. પછીતની અંદર આ પ્રમાણે વાતો થતી હતી :

‘કાં રાડ ? કે’તી’તી ને કે નહીં જરે ?’

‘શું છે ?’

‘ઝૂમણું ઘડાવીને લાવ્યો.

‘કોણ ?

‘તારો બાપ – આપો કાળો ખુમાણ.

‘અરરર ! પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું !

પેશાબ કરતો કરતો ભૂવો આયર આ વાત સાંભળી ગયો. એ ઠરી ગયો. ‘હાય હાય ! હાય હાય ! – એવા ઊના હાહાકાર, ધમણે ધમાતી આગના ભડકાની માફક, એના હૈયામાં ભડભડી ઊઠ્યા. માથાની ઝાળ વ્રેહમંડે લાગી ગઈ. એ ઊભો થયો. પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો ઊભો વાતો કરતો હતો, ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી. પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલ હતા એની વાળંદના ગાલ ઉપર છાપ ઊઠી આવી. વાળંદે ચીસ પાડી : ‘એ અન્નદાતા ! તમારી ગૌ !

‘કાઢ્ય, ઝૂમણું કાઢ્ય, નીકર કટકા કરી નાખું છું.

આગોણમાંથી ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો અને અંદરથી ઝૂમણું કાઢ્યું બહાર એ જ ઝૂમણું ! ખૂબ કાળું પડી ગયેલું હતું.

ફળિયામાં વીંટી બગલમાં દાબી, ભૂવો ડાયરામાં આવીને બેઠો. કસુંબો તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે, ઓલ્યું જોડ્યવાળું ઝૂમણું લઈ આવ્ય.

આપા કાળા ખુમાણે ઝૂમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના એક-બે ભાઈઓ બોલી ઊઠ્યા :

‘ કાં આપા…!! અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રૂજો છો ?’
‘ ભૂવો આયર બોલ્યો : ‘હા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે ! હમણાં કસુંબો પાઈએ.

‘ આપા કાળાને આંખે અંધારાં આવ્યાં, ભૂવો ઝૂમણું ઊંચું કરીને બોલ્યો :

‘ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવાં બે ઝૂમણાં હતાં. તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા.’

‘ ચમકીને ડાયરાએ પૂછ્યું : ‘હેં ! ક્યાંથી ?’

‘ગાદલાના બેવડમાંથી.. કેમ ખરું ને., આપા ?… અને ભાઈઓ, આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે, હોં !

‘અરર…!! ડાયરામાં ચીસ ઊઠી.

‘આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા, ને ઓલ્યું હજાર રૂપિયાનું ઝૂમણું ગળત કરી ગયા.

‘ભૂવા ભાઈ, આ મારી ઘોડી કાળા ખુમાણનો સ્વર તૂટ્યો ધીરે રહીને ભૂવા આયરે પોતાની બગલમાંથી ફાળિયું ઉખેળીને અંદરથી ઝૂમણું કાઢ્યું. ત્રણેય ઝૂમણાં ડાયરાની વચ્ચે ફગાવ્યાં અને બોલ્યો :

‘ લ્યો બા… હવે જોડ્ય મેળવો તો ?

ડાયરો સજ્જડ થઈ ગયો : અખંડ જોડનાં બે ઝૂમણાં ને ત્રીજું નવીન ! આ શું ?

ભૂવા આયરની આંખમાંથી આંસુની ધાર હાલી, હિમાલય રુએ ત્યારે એનાં નેત્રોમાંથી ગંગા ને જમના વછૂટે, કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યો :

‘કાઠી, ધન્ય હોજો તારી માને ! અને મારી માને માથે – ના, મારી માનો શો વાંક ? મારે પોતાને માથે એક હજાર ખાસડાં હોજો !! ડાયરાના ભાઈઓ… આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો તો, મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું ! પણ બાયડીને શું કહું ! મેં પોતે જ આવું કાં માન્યું ? પેશાબ કરવા હું ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવું પડત ને..

પછી ભૂવા આયરે કાળા ખુમાણને બે હાથ જોડી કહ્યું : ” ભાઈ !! નવું ઝૂમણું તો તમારું જ છે અને આ બેમાંથી એક ઝૂમણું મારી બે’નને કાપડામાં અને આ રૂપિયા એક હજાર ભાઈને વધાવવાના હો.., ના પાડે એને જોગમાયાના સોગંદ છે..!!

જય મુરલીધર

– #સૌરાષ્ટ્રરસધાર
– આપણી સંસ્કૃતિ આપણો વારસો.

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com