
હે અંતરે હોંકાર દેતો, ઘટમાં બેઠો તું હરી…
જગતરૂપી આ બજારે, ખોળવા સુખને જરી,
જાણ્યું નવ કઈ હાટે મળશે, થાક્યો હું તો ફરી ફરી…
હે અંતરે…
કર્મો કીધાં, દાન દીધાં, દર્શન દેવળ માં કરી,
સંતાણુ સુખ કયા ખુણામાં, કર ઇશારો તો જરી…
હે અંતરે…
જોબન જાશે, કાળ ખાશે, લથડાશે પગલાં ઠરી,
અધવચારે આવી ઉભો, તું કરે જે, એ ખરી…
હે અંતરે…
હરખહેલી ત્યાં વધેલી, ભીતર નો રવ સાંભરી,
આતમરામમાં રામને દીઠા, ઘટમાં નજરૂ જ્યાં કરી…
હે અંતરે…
બાળક તારો, ઓશિયાળો, ગાય ગુણલાં જરી જરી,
“બિંદુ” સમ હું આવા સમામાં, તારે નામે ગ્યો તરી…
હે અંતરે…
– જબ્બરદાન ગઢવી (કવિ “બિંદુ”)
મો. ૯૯૨૪ ૨૨૨ ૫૪૩