સત્રાજિતની પુત્રી અને ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગિની સત્યભામાએ દ્રૌપદીને પ્રશ્ન કર્યો “હે દ્રૌપદી ! તું શક્તિશાળી પાંડવપુત્રો પર કેવી રીતે શાસન કરે છે ? તેઓ કેવી રીતે તારી આજ્ઞાનું પાલન કરનારા છે, તારી ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી ? તારી ઇચ્છાઓને પૂર્ણ કરવા હંમેશા તત્પર હોય છે તેનું મને કારણ બતાવ’. દ્રૌપદીએ જવાબ આપ્યો, “ હે સત્યભામા ! પાંડુપુત્રો પ્રત્યે મારા વ્યવહારને સાંભળ હું મારી ઇચ્છા, વાસના તથા અહંકારને વશમાં રાખી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી એમની સેવા કરું છું. હું કોઈ અહંકારની ભાવનાથી એમની સાથે વ્યવહાર કરતી નથી. હું ખરાબ અને અસત્ય બોલતી નથી. મારું હૃદય ક્યારેય કોઈ સુંદર, ધનવાન કે આકર્ષક યુવક પર મોહિત થતું નથી. હું જયાં સુધી મારા પતિ સ્નાન ન કરે ત્યાં સુધી સ્નાન કરતી નથી, તેમના પહેલાં ભોજન કે આરામ પણ કરતી નથી, તેમજ જયાં સુધી અમારા બધા જ સેવકો અને અનુગામીઓ ખાન, ભોજન અને આરામ ન કરે ત્યાં સુધી હું નિદ્રા લેતી નથી. જયારે મારા પતિ કાર્યક્ષેત્ર, વન કે નગરમાંથી પાછા ફરે છે તે વખતે હું ઊઠી જઈ તેમનું સ્વાગત કરી પાણી પાઉ છું. હું મારા ઘરનો સામાન અને ભોજન હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખું છું. ધ્યાન રાખીને ભોજન બનાવી સમયસર પીરસું છું. હું ક્યારેય પણ આકરા શબ્દો બોલતી નથી. કદી પણ ખરાબ સ્ત્રીઓનું અનુકરણ કરતી નથી.
હું એ જ કરું છું કે તેમને પ્રિય અને સુખકર હોય. ક્યારેય પણ આળસ – પ્રમાદ દેખાડતી નથી. હર્ષના પ્રસંગ સિવાય હસતી નથી. હું દરવાજા ઉપર બેસી સમય બરબાદ કરતી નથી. જ્યારે મારે બીજાં કામો કરવાનાં હોય છે તે સમયે હું રમતમાં કે બગીચામાં નિરર્થક રોકાતી નથી.
જોરજોરથી હસવું, વધુપડતી લાગણીશીલતા અને બીજી આવા પ્રકારની ગમતી બાબતોથી પોતાને દૂર રાખી હંમેશાં પતિસેવામાં વ્યસ્ત રહું છું.
પતિનો વિયોગ મારાથી ક્યારેય સહન થતો નથી. જ્યારે પણ મારા પતિ મને મૂકીને બહાર જાય છે ત્યારે હું સુગંધિત ફૂલો અને રંગ – રાગ છોડીને કઠોર તપસ્યામાં જીવન પસાર કરું છું. મારી ઈચ્છા – અનિચ્છા, મારા પતિની ઇચ્છા અનિચ્છા જ છે અને તેમની જરૂરિયાતો પ્રમાણે તેમાં મારો સમાવેશ કરું છું. હું અંત:કરણથી મારા પતિની ભલાઈ ઇચ્છું છું. હું સંબંધીઓ, મહેમાનો, અતિથિ, દાન, દેવપૂજા અને પિતૃ-પૂજાના વિષયમાં મારી સાસુએ આપેલી શિખામણનું હંમેશાં સંપૂર્ણ પાલન કરું છું. હું મારા પતિની સાથે ખૂબ નમ્રતા અને આદરપૂર્ણ વ્યવહાર કરું છું. પતિ-સેવા માટે વ્યવહારમાં નકકી કરેલા નિયમોમાંથી જરા પણ ડગતી નથી. હું માનું છું કે, પતિસેવા એ જ નારી માટે સર્વોત્તમ છે. સ્ત્રી નો ભગવાન પતિ જ છે. તે જ તેના શરણ માટેની એક જગ્યા છે. આ સિવાય તેના માટે બીજું કોઈ શરણ નથી. આવા સમયે પત્ની એવું કાર્ય કેવી રીતે કરી શકે કે જે તેના પતિને અપ્રિય અને અરુચિકર હોય.
મારા પતિ મારા પથદર્શક છે. હું ક્યારેય પણ મારી સાસુની ટીકા કરતી નથી હું કદી સૂઈ જવા, જમવા કે શણગાર કરવામાં મારા પતિની ઇચ્છાવિરુદ્ધ જતી નથી. હું મારાં કામ સંપૂર્ણ એકચિત્તથી ઉત્સાહપૂર્વક કરું છું.
હું મારા ગુરુની સેવા અત્યંત નમ્રતાપૂર્વક કરું છું. તેથી જ મારા પતિ મારા ઉપર ખુશ રહે છે, હું મારાં સાસુની સેવા હંમેશાં ખૂબ આદર અને નમ્રતાપૂર્વક કરું છું. હું તેમનાં ખાવા-પીવા તથા કપડાં વગેરેનું જાતે જ ધ્યાન રાખું છું. મેં ખાવા-પીવા, કપડાં અને ઘરેણાંની બાબતમાં મારાં સાસુ પાસેથી વધારે મેળવવાની ઇચ્છા ક્યારેય રાખી નથી. હું તેમનું ખૂબ જ સન્માન કરું છું. મહારાજ યુધિષ્ઠિરના રાજભવનમાં વેદપાઠ કરતા બ્રાહ્મણોની હું ભોજન, પાણી તથા વસ્ત્ર વડે પૂજા કરું છું. હું બધી જ સેવિકાઓની મુશ્કેલીઓ સાંભળી તેના ઉકેલ માટે પ્રયત્ન કરી તેમને સંતોષ આપવાનો પ્રયત્ન કરું છું.
હું તેમના પાલન માટેના યોગ્ય નિયમોને બનાવું છું. હું અતિથિઓની ભક્તિભાવપૂર્વક સેવા કરું છું. સૌ પહેલાં પથારીમાંથી જાગું છું. અને સૌથી છેલ્લી સૂઇ જાઉં છું.
હે સત્યભામા ! આ મારો વ્યવહાર અને અભ્યાસ છે. જેને કારણે મારા પતિ મારા આજ્ઞાંકિત છે. હવે હું તમને પોતાના પતિને આકર્ષિત કરવાનો ઉપાય બતાવીશ. સંસારમાં એવા કોઈ દેવતા નથી જે પતિની બરાબરી કરી શકે. જો પતિ તારાથી પ્રસન્ન હશે તો તારા ઐશ્વર્યની કોઈ સીમા જ નથી અને જો નારાજ હશે તો બધું જ ગુમાવી દઈશ. તું તારા પતિ પાસેથી વસ્ત્ર, અલંકાર, કીર્તિ એટલે સુધી કે છેલ્લે સ્વર્ગ પણ મેળવી શકે છે. જે સ્ત્રી પતિવ્રતા, પ્રેમને જાણનાર તથા કર્તવ્યપરાયણ હોય છે તેના માટે સુખ તો એક પ્રકારનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. તેને દુ:ખ કે મુશ્કેલીઓનો કદાચ સામનો કરવો પડે તો તે અલ્પ સમય માટે અને માયાવી હોય છે. આ માટે સદૈવ પ્રેમ અને ભક્તિથી કૃષ્ણની ઉપાસના કરો, સેવા માટે સદા તત્પર રહી પતિના સુખનું જ ધ્યાન રાખો. તે તમારો ભક્ત બની જશે અને વિચારશે કે મારી પત્ની ખરેખર મને જ પ્રેમ કરે છે. હું પણ તેને સમર્થન આપું. બારણા ઉપર જેવો પતિનો અવાજ સાંભળો કે તરત જ ઊભા થઇ તેમની સેવા માટે હસતા મુખે તૈયાર રહેવું. તે ઓ૨ડામાં પ્રવેશ કરે કે તરત જ તેમને આસન અને પગ ધોવા પાણી આપવું. જયારે તે કોઈ દાસીને કોઈ કામ માટે બોલાવે ત્યારે તારે પોતે જ જઈને તે કામ કરવું. કૃષ્ણને એવી અનુભૂતિ થવી જોઈએ કે અંત:કરણથી તું તેની પૂજા કરે છે. સદાય પોતાના પતિનું સારું ઇચ્છવું, તેને જે ભાવતું હોય તે જ જમવા આપવું, તારા પતિ ઉપર જે દ્વેષ રાખતું હોય તેની પાસે બેઠક-ઊઠક રાખવી નહીં. પતિની હાજરીમાં ક્યારેય ગુસ્સે થવું નહીં, મૌન ધારણ કરી પોતાના મનને શાંતિ આપવી. માત્ર તેવી જ સ્ત્રીઓની મિત્રતા રાખવી જે પતિભક્ત હોય, જે ઉચ્ચ કુળની, નિષ્પાપી તથા ગુણિયલ અને શ્રેષ્ઠ ચારિત્ર્યની હોય. તારે સ્વાર્થી અને ખરાબ સ્વભાવની સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ.
આ રીતનું આચરણ પ્રશંસનીય હોય છે. તે જ સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અને સુખનું દ્વાર ખોલે છે. તેથી જ પોતાના પતિની પ્રેમ, વિશ્વાસ અને ભક્તિભાવથી પૂજા કરો.”
આ વખતે સત્યભામાએ દ્રૌપદીને પ્રેમથી ભેટીને કહ્યું, “ હે પવિત્ર ! તું પૃથ્વી ઉપર તારા પતિની સાથે શાંતિ ભોગવીશ. તારા પુત્ર દ્વારિકામાં આનંદમાં છે, તું શુભ ચિહનોથી શોભે છે. તું કદી પણ વધુ સમય સુધી દુર્ભાગી નહીં બને. મેં તારી પ્રાણ પ્રેરક વાતોથી ખૂબ જ લાભ મેળવ્યો. તારી વાતો બુદ્ધિશાળી અને ઉચ્ચ વિચારોની ખાણ છે. પ્રિય દ્રૌપદી, તું સદૈવ આનંદિત રહે ‘. આ શબ્દ કહેતી સત્યભામાં રથ ઉપર બેસી ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણની સાથે તે પોતાના નગર તરફ ગઈ.
( વન પર્વ એ . ૨૩૨ – ૨૩૩ )