
છંદ હરિગીત
માં ભારતી પર ત્રાસ કરતા જો અસુરો માલશે
તો ગગનભેદી નાદ સાથે ગુંજતા ગણ હાલશે
આવા સપૂતો આપિયા છે ધન્ય એ માં બાપને
માં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને
બેનબા તો વાટે બેઠા, રાખડી લઈ હાથ માં
ને બાંધવો પણ એ વિચારે કોણ ફરશે સાથ માં
ઘમસાણ ઘેલુડા જપંતા મૃત્યુંજય ના જાપને
માં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને
પ્રેમે વિજોગણ બની અબળા વાટ તવ જોતી હશે
છો સ્મિત દેતી સર્વને એકાંત માં રોતી હશે
ભાર્યા મુખ પર દઈ ચુંબન અમીટ છોડી છાપને
માં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને
કોળિયા ખવરાવવા તને ઝંખતી એક માવડી
તુંય જોવા હો અધીરો અમીમય એની આંખડી
જોઇ છબી છાતી ફૂલે પણ ધરમ સંકટ બાપને
માં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને
કવિ “બિંદુ” ચહે તો આપના ગુણગાન પુરા થાય ના
થાકે હજારો કલમુ તોયે શુરતા તો મપાય ના
પેટ માં રહી પાપ પોષે, હણજો એવા સાપને
માં ભોમ કાજે જે મિટે સો સો સલામો આપને
– જબ્બરદાન ભીખુભાઈ ગઢવી – કવિ “બિંદુ”
– આદિપુર કચ્છ. ૯૯૨૪૨૨૨૫૪૩