
પરથમ ગણેશ બેસારો રે મારા ગણેશ દુંદાળા !
ગણેશ દુંદાળા ને મેટી ફાંદાળા
ગણેશને વર દાન દેજો રે મારા ગણેશ દુંદાળા !
કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો
ઘોડલે પીતળિયા પલાણ રે મારા ગણેશ દુંદાળા !
કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા !
કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારો
જાનડીયું લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા !
કૃષ્ણની જાને રૂડી વેલડી શણગારો
વેલડીયે દસ દસ આંટા રે મારા ગણેશ દુંદાળા !
કૃષ્ણની જાને રૂડા ધોરીડા શણગારો
ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા !
વાવલીયા વાયા ને મેહૂલા ધડુકયા
રણું રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા!
તૂટ્યા તળાવા ને તૂટી પીંજણીયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા !
ઉઠો ગણેશ ને ઉઠો પરમેશ
તમ આવ્યે રંગ રેશે રે મારા ગણેશ દુંદાળા !
અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા !
અમારે જોશે સવા મણનો રે લાડુ
અમ આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા !
વીવા અઘરણી ને જગન જનોઈ
પરથમ ગણેશ બેસારૂં રે મારા ગણેશ દુંદાળા !
– “ચુંદડી” ઝવેરચંદ મેઘાણી