
ચહેરા પાછળ ચહેરો છે તે ધારવાનું શીખું છું,
મારા મનને ભીતરથી નિખારવાનું શીખું છું.
વળગણની બુકાની તારી છોડે કે ના છોડે તું,
એવાં બંધન તોડીને વિચારવાનું શીખું છું.
ધૂપસળીની ખૂશ્બુમાં લોબાન છે કે ગુગળ છે?
લોહીમાં જે ઉન્માદ ભર્યા તે ઠારવાનું શીખું છું.
ચાવે છે તે જુદા ને દેખાડે તે પણ જુદા છે,
ઝૂઠા દંભી માણસને પડકારવાનું શીખું છું.
ખંડેરોમાં કણસે છે જ્યાં અધમૂઈ ઇચ્છાઓ પણ,
વીણી વીણી ટહુકાઓ સંભારવાનું શીખું છું.
શબ્દો પણ છે પથ્થર જેવા અર્થો કે સંદર્ભો નહીં,
કલમટાંકણું લઈને બસ કંડારવાનુ શીખું છું.
ચૂર ચૂર થઈ તૂટેલા આ ભ્રમ ઉપર બેઠો ત્યારે,
મૃત્યુ પહેલાં જીવતરને શણગારવાનું શીખું છું.
– નૈષધ મકવાણા