પથ્થર તરે નહીં

કોઈ કહી દો કાળને આડો ફરે નહીં ,
મરવાથી જે બચ્યા હવે માર્યા મરે નહીં.

જાણી લીધું તમારું જીગર બાગ બાગ છે ,
હસવામાં નહિ તો કોઈ દી ફૂલો ઝરે નહીં.

લાગે છે એણે વારસો લીધો છે સર્પનો
સોમલ નયનથી નહિ તો કદી નીર ઝરે નહીં.

પુરુષાર્થથી તો ભાગ્ય ફરી જાય માનવી ,
કોણે કહ્યું કે લેખ વિધિના ફરે નહીં..

પહેલેથી લોહ સાથે છે પથ્થરને અણબનાવ ,
ભેગા થઈ ગયા હવે ચકમક ઝરે નહીં.

આ તો તમારા નામથી “નાઝિર” તરી ગયો
કળિયુગમાં નહિ તો કોઈ દી પથ્થર તરે નહીં.

– નાઝિર દેખૈયા

Jabbardan Gadhavi

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...