ગાલિબ ના શેર જેવી છોકરી – કવિતા

એની આંખો માં ઉર્દુ ના કાફિયા, એના હોઠો પર ફૂલો ની ટોકરી….
એક ગાલીબ ના શેર જેવી છોકરી…
એ જો માને તો કરવી છે મારે, એનો પાલવ પકડવાની નોકરી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ સમુંદર ની લહેરો નું ગીત છે, એ તો ઝાકળ થી દોરેલું ગામ છે…
એ છે વગડા માં ઉગેલું ફૂલ, ને આ પગલાં શુકન નું મુકામ છે…
એને શોધે છે અંધારે આગિયા, ગુલમહોર એના સરનામા ગાય છે….
એની પાસેથી સૂરજ ના ચાકરો, થોડા સંધ્યા ના રંગો લઈ જાય છે…
એની પાસે લખાવે પતંગિયાં, મીઠા મૌસમની પહેલી કંકોત્રી…
એક ગાલિબ ના શેર જેવી છોકરી…

એ તો ખુશ્બુ નો ભાવાનુવાદ છે, પ્રેમ-ગીતા નો પહેલો અધ્યાય છે…
એની મસ્તી માં સૂફી ના સુર, ને મુસ્કુરાહટ માં ફિલસૂફ વર્તાય છે…
એના ઘર માં છે ટહુકા ના ચાકડા, એના આંગણ માં વનરાગી વાયરો…
રોજ જામે છે એની અગાશીએ, ઓલા ચાંદા ને તારા નો ડાયરો…
એની વાતો ઉકેલો તો લાગશે, કોઈ ગઢવી ના છન્દો ની ચોપડી….
એક ગાલિબ ના શેર જેવી છોકરી…!

– મિલિન્દ ગઢવી

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...