વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
નથી આવ્યો કોઇનું બગાડવા કે માનવી જાગવાનું આવ્યું ટાણું.
ધરતી માતાને તમે એટલી રંજાડી કે સહુ જીવો થઈ ગ્યા હેરાન.
ખાવા – નહિં ખાવાનો ક્યાં છે વિવેક અને જંગલ પણ થઇ ગ્યા વેરાન.
ચીસો પાડીને આજ સઘળાં જીવ ગાય છે માનવથી બચવાનું ગાણું.
વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
મેલ્યા બનાવીને શસ્ત્રો કઈ એવા કે પૃથ્વી પરપોટો થઈ ફુટે.
એવું નવ માનશો કે આવડા બ્રહ્માંડમાં ધરતી ફૂટ્યાથી કંઈ ખૂટે.
બુદ્ધિને સમજાવો માનવી કે જાણ્યું છે એથી ઘણું છે અજાણ્યું.
વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
ઈશ્વર ને કોટડીમાં પુરવાની ગુસ્તાખી ? જાણ્યાં છે એનાં અરમાન !
જે કોઇ બનાવ્યાતા ઈશ્વરના નામના બધ્ધા એ બંધ છે મકાન.
વસતો એ સઘળે બ્રહ્માંડ એજ જાણે તો કહેવાશે સાચે એ શાણું.
વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
પાગલ બનીને તું કેટલાને પીંખશે ને શું કરશે આભલાને આંબી ?
ખુદ લગી જાવાની ત્રેવડ નથી ને છતાં દોડ દોડ શેની આ લાંબી ?
મોકલ્યો’તો પ્રેમનો પયગામ ને એમાં થી વેર-ઝેર કેમ કરી જાણ્યું ?
વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
ઉંચી ઈમારતો તો બાંધી પણ નવ બાંધ્યો દલડાનો એક સ્નેહ સેતુ.
મંગળના ગ્રહ લગી પહોચ્યો પણ જાણ્યું નહિં સહુનું મંગળ ક્યાં રહેતું.
પહેલા ખોળાનો હજી વાયરસ કોપ્યો છે બીજા છે નવસે નવાણું.
વાયરસ આવ્યો જગાડવા કે માનવી ચેતવાનું આવ્યું છે ટાણું.
- આશિષ ઠાકર