કૃષ્ણચરિત્રના દુહા

( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ, વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા…


( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે, પંડયની પથારીએ, કુબજાને કુબે કાંઉ, સખ વાહયા શામળા…


( 03 ) પગ બટુકી, ટૂંકી નળી, લમણે ઝાઝી લીખ; એથી તો ભલા ઉધરા, ભવો માગીએ ભીખ…


( 04 ) ભલી હોય ભંગડી, સરાયે ઇથી સરદાર; કાળીશે કીરતાર, સાપેય સુંઘે નઇ શામળા…

( 05 ) કાળીને પરણે કમળ ! વરવી ને ટૂંકા વાળ; ( તું ) ખરો ખેતરપાળ, સાચું ભણું છું શામળા…

( 06 ) પદમણ રાધા પરવરી, કુબજા વશ થયો કાન; ભૂલી ગયો ભગવાન, સંબંધ રાધાનો શામળા…

( 07 ) મથુરાં જઇ તું માલતો, કેતાય વૈભવ કાન; ( અને ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ માસીનો શામળા..

( 08 ) મથુરાં જઇને મા’લતાં, કુબજા વશ થયો કાન, ( વળી ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા…

( 09 ) પારથ ને ભીષમપિતા, જૂટયા બે જબરાણ; ( ત્યારે ) ભૂલી ગ્યો ભગવાન, સત નિજ વચન શામળા…

( 10 ) મારા ગુના, માધવા ! જા ભૂલી જદુરાણ; ( તો ) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા…

( 11 ) સોળ સેં ગોપી સામટી, ( તોય ) બ્રહ્મચારી ભણાય; ( વળી ) ગોપીનાથ ગણાય, ( એનું ) શું કારણ છે ? શામળા…

( 12 ) ભાગેડૂ તું ભૂધરા, લૂંટારો તું લખવાર; ( તો’ય ) કેવો પડે કિરતાર, શું કારણથી ? શામળા…

( 13 ) ધાગા સાટે ધૂપતીને( તેં ) સાવટ પૂર્યા ચીર; ( એવો ) વેવારૂ છો વીર, સાચો શેઠ તું શામળા…

( 14 ) ( મારી ) અંતવેળાએ એંકલો, નટવર આવીશ ના; મોળી રાધા મા, સાથે લાવજે શામળા…

( 15 ) પ્યારા કાગળ પ્રેમનો, વાંચી તું વ્રજરાજ; આ અંતરઘટની આજ, સાંભળ્ય અરજી શામળા…

( 16 ) ગોકળીયું ગમતું નથી, જમના ખારી ઝેર; વાલા સાથે વેર, ( તેં ) સીદ કરાવ્યું શામળા…

( 17 ) ગોકુળમાં ગારા તણા, ઘર હતા ઘનશ્યામ; ( હવે ) ધજબંધ સુવર્ણ ધામ, સાંપડયા તુંને શામળા…

( 18 ) મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર; મળતાં વેત મોરાર, ( તું ) છૂપયો અમથી શામળા…

( 19 ) ના આવી બાવા નંદની, મોબત તને મોઢાની; ( આ ) લોભેય લોઢાની, છાતી કીધી તે શામળા…

( 20 ) ગોપ તળાવે ગોપીયું, ભેળીયું થયું ભગવાન; ચીર હરેન શામ, સંતાઇ જાતો શામળા…

( 21 ) દામેણી ન દાગવી, મેં ઓધા માધા; શા સારૂં સગા, સામું ન જો શામળા…

( 22 ) સરગાપરનું શૈર, નસે ભાળ્યું નજરે; માધવ કરીને મૈર, ( તું ) સામો હાલ્ય શામળા…

( 23 ) ગોબર ભરેલી ગોપીયું, ( તે ) એના એઠા ખાધેલ અન્ન; માવા તારા મન, ( કોઇ દી ) મોટા ન હોય માવજી…

( 24 ) કૃષ્ણની જે બંદગી કરે, નર જીભાતે નાર; ( એની ) દજડ જાય દરિયા પાર, સીંધના કેડે શામળા…

( 25 ) નંદને ઘેર નાથજી, અવતરીયાતા આપ; બાળપણમાં બાપ, ( કેદી ) સખણા રહ્યાં શામળા…

( 26 ) વાંસળીયે વળુંભતી, નવલખ ધેનું નાથ; ( એની ) હરિવર તારે હાથ, શુધય લેતો નથી શામળા…

( 27 ) પગમાં ખલકનાં પતિ, જોને બળતીસાં ઝાળ; ભાળવા જાશ ભૂપાળ, શેત્રુંજાને શામળા…

( 28 ) મૈયારી થઇ મહી વેચવા, જાતી હતી જે; ( એને ) આડફેરે આવી, સંતાપેલ તેં શામળા…

( 29 ) મામો સગો મારવો, કદી ઘટે ન કાન; ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા…

( 30 ) અધરાતે અવતર્યા, ભલકારે ભોપાળ; કંસ મામાનો કાળ, સ ભાણેજ તું શામળા…

( 31 ) વળતાને જાતા વાઢવા, જગભલ કરવા જેમ; માસીને મામો બેન, સંહાર્યા તે શામળા…

( 32 ) પાડા જોગણીયું પીયે, જેમ દશરે દહીવાણ; ( એમ ) પૂતનાના પ્રાણ, સોસે ગયો શામળો…

( 33 ) એને ને મારે આગલું, વચન હતું વેર; મનમાં આણી ન મેર, પૂતનામાસીની પાલરવ…

( 34 ) રૂખમણી ને રાધકા, નવરા દિની ઘડેલ નાર; દાસીને દરબાર, સુવા જાતો શામળા…

( 35 ) કડવા લાગે કૂડીયા, ભૂંડા લાગે ભા; વાલા વિહામાં, સાચા બોલા શામળા…


કવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા-ગઢવી ( લાલકા )

Contribution By – Shri Ram B. Gadhavi (नविनाळ-कच्छ)


Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com