રૂપાળાં દેહમાં આતમ – ગઝલ

રૂપાળાં દેહમાં આતમનું હોવું જરૂરી છે,
મનોહર ફૂલ છે ફોરમનું હોવું જરૂરી છે…

કહાવો છો દયાળુ ને દયાની છાંટ પણ ક્યાં છે,
આ ખાલી કૂપમાં ઝમઝમનું હોવું જરૂરી છે…

ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું,
અરે ઝંપલાવ દિલ જોખમનું હોવું જરૂરી છે…

થયું સાબિત ચમકતી વીજ જોઈને ઘટાઓમાં ,
અમાસે કોકદિ પૂનમનું હોવું જરૂરી છે…

નજરથી ઝખ્મ કરનારા નમક પણ છાંટજો થોડું,
અમારા દર્દ પર મરહમનું હોવું જરૂરી છે…

નિહાળો ના આ ફાટી આંખથી ” નાઝિર ,”
પરમ દર્શન સમયે સંયમનું હોવું જરૂરી છે…..

નાઝિર દેખૈયા

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...