”જિંડવાવાળી મોગલ”(આઈ માં મોગલનો વાસ્તવિક ઇતિહાસ)

ઓખાઘર પરગટ ભઈ, ને ભગુડે તુને ભાળી;
અજાન પરચા અનેક, મોગલ જિંડવા વાળી.

ભાયલે તું ભભકી ઘણી, ઠરી તું ઠાકારીયાની;
અજાન કહું એ કહાની, મોગલ જિંડવા વાળી.

ભાલ અને નળકાંઠા વચ્ચે ગાંગડ રાજની હદનું ભાયલા નામે ગામ છે, આ ગામમાં એક ઠાકરીયા શાખના ચારણનું ખમીરવંતુ ખોરડું ને એ ખોરડાની દેવ ઓખાઘરવાળી આઈ મોગલ જાણે હમણાં બોલી કે બોલશે એમ શાક્ષાત જાણે બેઠી છે અને આ ચારણનો પૂરો પરિવાર એને ખુબ ભાવથી પૂજે છે, માટે એ ઠાકરિયાની મોગલ કેહવાય છે, ચારણને મોગલ પ્રતાપે ગામને સીમાડે પાડાના કાન જેવી ફળદ્રુપ જમીન ભાગમાં આવેલી ત્યાં કાલા (કપાસ) ખુબ થતો હોઈ જિંડવાવાળું ખેતર તરીકે ઓળખાય છે અને ચારણ ખુબ ખંતથી એ જમીન ખેડીખાય છે એના પરિવારનું ભરણ-પોષણ કરી જીવન સુખેથી મોગલને જપતા-જપતા ગુજારી રહ્યો છે, પણ એનું આ સુખ અમુક લોકોથી જોવાતું નથી, આ ભાયલા ગામમાં પરમાર શાખના કારડીયા રજપૂતોના જાજા ખોરડાં એમાં આ ચારણની પાડોસે એક માથાભારે રજપૂતનું ખોરડું, અને એને આ ચારણનું જિંડવાવાળું આંખમાં કણાની જેમ ખૂંચે એથી ઈર્ષા વશ આ ચારણને બળજબરી ને ક્યારેક અમુક પ્રકારે હેરાન કરી જિંડવાવાળું પડાવી લેવાનો કારસો કરે છે, પણ ચારણ ડગતો નથી એને તો મોગલ હાજરા હજુર છે પણ પરિવારને વારે-વારે ની હેરાનગતિ અને ધમકીઓથી ચારણ ખુબ મજબુર થયો છે અને “હેરાન થવા કરતા ત્રાગું કરું” એમ એને વિચાર આવે છે વળી મોગલ સમરતા એમ થાય છે કે “હું ત્રાગું કરું તો મારા પરિવારનું શું” આમ વિચારતા, આખરે ગામ છોડવાનો નિર્ણય એને યોગ્ય લાગે છે, અને ભાયલા ગામનો અપ્પયો લઇ આંબલિયાળા સહ પરિવાર જતાં-જતાં મોગલને પોતાના દુઃખ દરદ સોંપતો જાય છે, આમ એનું ખેતર અને ધીમે ધીમે એટલાથી ન ધરાતા આ ચારણનું ખોરડુંય પાડવાનો પ્રયાસ એ રજપૂત કરે છે ખોરડું પચાવવા ત્યાં નિણ, ઢોર બાંધવાનું ચાલુ કર્યું ને એ ખોરડે બેઠેલી એ ઠાકરીયાની મોગલ કાળ-ઝાળ થઇ હો… એક પછી એક એના ઢોર મરવા મંડાણા, એક ઢોર ન રહેતાં એના ઘરના માણહ, ને જુવાન જોધ દીકરા મરવા લાગ્યાં છે, આમ ગભરાયેલ એ રજપૂત કંઈક ભુવા, માંડવા, ડાકલા કરે છે, ક્યાંય ક્યાંય ભટકી જોવડાવે છે એથી એને ઠાકરીયાની મોગલ રુઠ્યાનું જાણકારો કહે છે. એ જાણી, એ રજપૂત ને ખુબ પછતાવો થાય છે પણ હવે મોગલ કોઈનાથી રોકી રોકાય એમ નથી એ જાણી ચારણો ને ચારણ જ મનાવી શકે એ સમજી એ બાજુના ગામ રાણેસર મોડચારણો ને વાત કરે છે અને કહે છે કે “ઠાકરીયાની મોગલને વિનવી વાળો નહીંતર મારો વંશ નઈ રહે, કાં તો એને રાણેસર લઇ આવો નહીંતર ભાયલું ય નઈ રહે” આ કેહતા રાણેસરના ગઢવીઓ મુંજાણા આ બાપડો, આપડી પાહે મદદની આશે આવ્યો છે તો મદદ કરવી એ ચારણ તરીકે ધર્મ છે પણ જો મોગલને અહીં લાવીએ તો એ રૂઠેલી, કોપાયમાન ભગવતી અહીં ડાટવાળે તો કરવું શું? આમ વિચારી રાણેસરના ચારણો અને ભાયલાના રજપૂતો ભેળા મળી ઠાકરીયા ચારણને મનાવવા આંબલિયાળા જાય છે જ્યાં દરબારો સાથે ચારણ સુખેથી રહે છે, ત્યાં આવી આ ડાયરો સઘળી વાત કરે છે વાત સાંભળતા ઠાકરીયા ચારણોની આંખોમાં ઝળ-ઝળીયા આવી ગયા, ને મનમાં વિચાર્યું મોગલને પુજી સાર્થક હો,,, વાર કરી માં એ હો,,, ભર્યા ડાયરામાં “હા મોગલ મારી માં ખમાં ખમાં, જય મોગલ, જય મોગલ,” થી મોગલને ખમૈયા કરે છે, પણ ભાયલાના રજપૂતો અને રાણેસર ના ચારણો એ ઠાકરીયા ચારણોને મોગલ વાળવા વિનવે છે તેથી ચારણનું હૃદય નરમ પડતાં અપૈયાં કાયમ રાખવાની શરતે એ મોગલને વિનવવા રાજી થાય છે, અને બધાં ભાયલા આવી મોગલને શાંત થવા વિનવે છે અને મહાવિનતે મોગલ ખમૈયા કરે પણ ભાયલા થી દૂર સમગ્ર ઘટનાના મૂળ જિંડવાવાળા ખેતરમાં બેસવાની ઈચ્છા પ્રગટ કરે છે, આથી ભાયલાના રજપૂતો, રાણેસરના ચારણો, ઠાકરીયા ચારણો સહીત ફરતા ગામના લોકો માંને જિંડવાવાળા ખેતરે ધામધૂમથી દેરું કરી બેસાડે છે.

આમ આ મોગલના સ્થાનકનો મહિમા જાણીએ મહિમાને વધુ ને વધુ જન સમુદાય સુધી પોહચાડવા વઢવાણના કવિવર બચુદાનજીએ ખુબ પ્રયત્નો કરેલા, ત્યાં લોકડાયરા, સંતવાણીના કાર્યક્રમો રાણેસરના ચારણોના સહયોગથી કરતા અને માં મોગલનું આ સ્થાનક એમના જ પ્રતનોથી મોગલપ્રતાપે પ્રસિદ્ધ થયેલ, રાણેસરના ચારણો કાયમ ત્યાં માંના ધુંપ-દિવા, નૈવેદ્ય કરતા અને હાલમાં પણ કરે છે, ભાયલાના એ પરમાર શાખના કારડીયા રાજપૂતનો પરિવાર કે જે મોગલના કોપનો ભોગી થયેલ એ પરિવાર નો એક જ પુરુષ સભ્ય (રાજુભાઇ) બચ્યા છે ને સાંભળ્યું છે કે એ કાયમ ઉઘાડા પગે માં ને વિનવવા આવે છે અને ઠાકરીયા ચારણો કે જેની આ મૂળ મોગલ છે એ હાલમાં આંબલિયાળા ગામમાં મોગલપ્રતાપે સુખેથી નિવાસ કરે છે ને એ ચારણોમાનું એક ઘર આંબલિયારાથી ચિત્રાસરમાં વસ્યો છે આ બંને ગામે થી ઠાકરીયા ચારણો પોતાની મોગલમાં પાસે કાયમ દર્શને આવે છે પણ ભાયલાનું પાણી આજેય પિતા નથી અપૈયો કાયમ રાખ્યો છે, હાલ માં આ સ્થાનકનો મહિમા ખુબ વધ્યો છે, સરદારસંગ પરમાર ભાયલા (કારડીયા રજપૂત) હાલમાં સંપૂર્ણ જગ્યાનો વહીવટ સાંભળે છે. એમના હાથે ખુબ સરસ રીતે વહીવટ ચાલે છે ને એ સ્થાનકનો ખુબ સુંદર વિકાસ થયો છે, આમ એનો શ્રેય સરદારસંગને જાય છે.

આમ જેના પરચા અપરંપાર છે જેનો સાક્ષી મોટો જન સમુદાય છે એ માં ભગવતી મોગલ મચ્છરાળી જે એને શરણે આવે એ સૌની મનોકામના પુરી કરે છે. હાલ નેશનલ હાઇવે નં-8 પર બગોદરા થી બાવળા જતા વચ્યે રાણેસરના પાટીયે બેઠી છે એને કોઈ રાણેસર વાળી, કોઈ ભાયલાવાળી, તો કોઈ જિંડવાવાળી મોગલ કહી સંબોધે છે ને પૂજે છે, પણ હકીકતે એ ઠાકરીયાની મોગલ, એને વારે ચડવાવાળી ભક્ત વત્સલ મોગલ, એને ગમે તે નામે સંબોધો મોગલ એ મોગલ છે. વટેમારગુ ત્યાં અચૂક દર્શન કરીને જ ધન્યતા અનુભવી આગળ વધે છે, મોગલપ્રતાપે સૌની ત્યાં વ્યવસ્થા સચવાય છે અને મનોકામના પુરી થાય છે,… અસ્તુ.

જય મોગલ ઠાકારીયાની, જય હો જિંડવાવાળી.

માહિતી સ્ત્રોત : કવિરાજ જોગીદાનજી ચડીયા.

સાબિતી: હાલ આંબલિયારામાં આ ઠાકારીયા ચારણોમાં વિષ્ણુભાઈ પાસે બરોટનો બોડીયા અક્ષરવાળો ચોપડો છે જેમાં સમગ્ર હકીકત કંડારેલી છે.

લેખન સંપાદન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com