( છંદ – હરીગીત )
સાંભળ કરૂં છું સાદ સગતી સમય કપરે આ સમે,
કળજગ તણું જગ જોર જામ્યું ધર કટક દળ ધમધમે,
અબ વાર કરવા આજ અંબા આવજે વખતે અણી,
ઉદા તણી ધીંગો ધણી હવે જાગ રાજલ જોગણી.
મન ખોટ દાનત સાવ મેલી પાપીયા કંઈ પીખતા,
સંતાપતા સંતો ગરીબની વાડ્ય લઈને વીખતા,
અધમા અધમ કંઈ અહર સરખા ઘાતકી રીતું ઘણી,
ઉદા તણી ધીંગો ધણી હવે જાગ રાજલ જોગણી.
દુષટો દગલ બાજો દલાલો પાપીયા અણ પાર છે,
ધોખા ધડી વિશવાસ નઈ તંતો ઘણી તકરાર છે,
ભુલ્યા અભાગી ભાન ચૌ દિશ રીત રાખહ ચોગણી,
ઉદા તણી ધીંગો ધણી હવે જાગ રાજલ જોગણી.
લંપટ ભરખતા લાંચ કાજી ન્યાય ક્યાં સવળો કરે,
કોટવાલ કરતા કંઈક ગુના પાપ કર પેટજ ભરે,
દૈતો તણાં દળ ત્રાસ દે, નઈ ધ્યાન દે ધરણી ધણી,
ઉદા તણી ધીંગો ધણી હવે જાગ રાજલ જોગણી.
તરકાં તરારાં બોમ બારાં ધોમ ધારાં લોઈરાં,
બંધક ગલોલી રમત હોલી દૈત્ય ટોલી દોઈરાં,
પાપી લીયે પટ પ્રાણ માનવ ખોળીયા માંથી ખણી,
ઉદા તણી ધીંગો ધણી હવે જાગ રાજલ જોગણી.
- કવિ શ્રી ચમન ગજ્જર