તું હાલ્યને ઝટ હોય ત્યાંથી કોઇ હેતુ નવ કને,
વાટુ નિહાળે વાવડેમા તલખતા છોરૂ તને,
ઉભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઇ ધોડજે,
રવરાય લાજુ રાખવા અણ વખત વહેલી આવજે..
ભુલા પડયા ભવ સાગરે મા ગળા લગ ડુબી ગયા,
છુટા પડયા તુથી જનેતા આંખથી અણ દિઠ થયા,
લાંબા કરી કર લોબડી તતક્ષણ બધાને તારજે,
રવરાય લાજુ રાખવા અણ વખત વહેલી આવજે..
તું સોડ તાણી સુઇ ગઈ કે ઘેનમાં ઘેરાઇ ગઇ,
પાપણ ચડયા કંઇ પડળ કે ઘડપણે ઘેરાઈ ગઈ,
તોય લાકડી ટેકો લઇ ઉતાવળી ઝટ આવજે,
રવરાય લાજુ રાખવા અણ વખત વહેલી આવજે..
જે આંગણા જોવા નતા ત્યાં જાંચવા જાવુ પડયું,
જે કર્મ નોતુ પુર્વજોનું તેય હા કરવું પડયું,
અકર્મને અવિચાર માંથી માવડી મુકાવજે,
રવરાય લાજુ રાખવા અણ વખત વહેલી આવજે..
તાર લાગ્યો તુજથી એ કદીએ નવ તુટજો,
સાગર ભલે શોસાય ઝરણા પ્રેમના નવ ખુટજો,
કહે ‘ દાદ ‘ છોરૂ માતના છે સંબંધ એ સંભાળજે,
રવરાય લાજુ રાખવા અણ વખત વહેલી આવજે..
દાદુભાઇ પ્રતાપદાન
– કવિશ્રી ‘ દાદ ’ જુનાગઢ