હાલમાં ગુજરાત પોલીસમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ ઝાલાએ લખેલુ પોલીસ પરનું આ કાવ્ય આપની સાથે શેર કરુ છું.
એક પોલીસ પણ કેવો લાગણીશીલ અને શબ્દોનો સમ્રાટ હોય એની આપને અનુભૂતિ થશે.
હો વિકટ કોઈ ઘડી, ના ડગ પીછે લેનાર છું,
આવકાર છે પડકારને, હું ખાખીનો ધરનાર છું.
સિંઘમનું શૌર્ય ‘ને દબંગની ડાંડાઇ એ તો પડદાના ખેલ છે!
તમામ હકીકતથી વાકેફ, હું વાસ્તવિક ભૂમિનો નાયક છું.
ના ડર બતાવો મને આફતો નો હું ખાખીનો ધરનાર છું
આ કડક વ્યક્તિત્વની આડમાં હું લાગણીની બોછાર છું.
જુલ્મો તળે રિબાતા પીડિતનો હું અવાજ છું.
આમ કરડાયેલી નજરે ન જુઓ આ ખાખી સામે સાહેબ
આખરે હું પણ એક ઇન્સાન છું!
આંક તમામ જૂઠ્ઠા છે
આ ખાખીના કદને માપવાના!
ચાલશે તો નહી જ આ ખાખી વિના,
છતાંય જુઓને , કેવો નાહકનો બદનામ છું!
અન્યાય સામે આંધી ને હું કાયદાની કટાર છું,
સફેદ ઝભ્ભો ને ઊંચી ખુરશી મને ના ડરાવો!
શાંતિની જાજમ છોડી આવેલો હું અગ્નિપથનો અંગાર છું.
મારો લાલ કયારે આવશે !
એવી ચિંતા કરનાર મારે પણ એક માઁ છે;
મમ્મી, આજે પણ પપ્પાને રજા નથી?
એવું પૂછતા-વલખતા મારે પણ સંતાન છે!
પરિવારની હૂંફ અને તહેવારોની મોજ
એમ કંઈ કેટલુય ત્યાગનાર છું.
નવી સવાર ‘ને ઘણા પડકાર;
હું નિત નવા યુદ્ધે ચડનાર છું !
ના ડર બતાવો મને આફતો નો
હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
માતાની કુખ, બહેનની રાખડી ને કેટલીય જાયાના સિંદૂરને રક્ષનાર છું.
વિખરાતા કુટુંબ ને રેલાતા સંબંધો
આ ખાખી ધાગાથી સીવનાર છું..
ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર
હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
સ્પાઈસી હેર સ્ટાઇલ, ફ્રેન્ચ કટ દાઢી ને કલરફુલ કપડા સાહેબ તમને મુબારક..!
શોર્ટ હેર મારી શાન, ક્લીન શેવ મારી પહેચાન ને આ ખાખી મારો ખુમાર છે…!
ના મોહ બતાવો મને દુન્યવી લાલચોનો,
હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
થાક અને કંટાળો એવા પ્રોગ્રામ્સ તો જાણે અમે ઇન્સ્ટોલ જ નથી કર્યાં!
સાતેય વાર ‘ને ચોવીસે કલાક હું ડ્યુટી માં જડબેસલાક છુ!
પડકારો ને છે ખુલ્લો આવકાર હું ખાખીનો ધરનાર છું.
અડધી રાત્રે બેફિકર ફરતી અબળાઓનો હું વિશ્વાસ છું.
હોય ગુજરાત જો શાંતિનો પર્યાય તો હું તેનો મૂલાધાર છું.
ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર
હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
નિષ્ઠા અને ઈમાન ના નામે હું જ શાને બદનામ છું?
સીમિત પગાર, અસીમિત કામ, અને પેલું કાયમી સરનામાનું કોલમ કાયમી ખાલી રાખનાર છું.
સત્કાર છે પડકારનો હું ખાખીનો ધરનાર છું.!
પોલીસની લાઠીના ઘા તો સૌને દેખાય છે, તો શું ઘાયલ જવાનની ખાખી પરથી ટપકતું લાલ રક્ત તમને પાણી દેખાય છે?
આવા તો છે પહાડ મુશ્કેલીના,
છતાય ‘ગજબ’ હું હામ કયાં હારનાર છું!
ખુલ્લો આવકાર છે પડકાર ને હું ખાખીનો ધરનાર છું!