વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવનો ઈતિહાસ !

મોરબીના સજનપર ગામથી આશરે 3 કિમિ દૂર અને વાંકાનેર તાલુકા માં આવેલા જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના પરાક્રમી રાજા નરેશ શ્રી જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે.તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ સંક્ષિપ્તમાં દ્રષ્ટિપાત કરવો પડશે.

જામ રાવળનો જન્મ કરછ પ્રદેશમાં કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખ્યા કરતું હતું. તેના માટે અનેક વૈધો હકીમો અને ઈલાજો કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડ્યુ. સમય જતા જામનગરની ગાદી સંભાળી , કોઈએ રાજાને જાણ કરી હતી કે,ધ્રોલમાં એક ત્રિકાળદર્શી વિદ્વાન બ્રાહ્મણ પંજુ ભટ્ટજી વિશે જણાવ્યું. રાજાએ પોતાના મહેલમાં પંજુ ભટ્ટને બોલાવી માથું દુખવા માટેનું કારણ પૂછતાં ભટ્ટજીએ જણાવ્યું હતુંકે, પૂર્વ જનમમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા. તે જ ગામમાં એક વૃદ્ધ સોની રહેતો હતો. જેની ગાયો ભગવાન ભરવાડ સંભાળતો હતો. ગામના લોકો તેને ભગો કહેતા હતા. સોનીની કેટલીક ગાયો પુષ્કળ દૂધ આપતી હતી. પરંતુ થોડા દિવસથી દૂધ જ નહોતી આપતી. જેથી ભરવાડ અને સોની એક દિવસ ગાય પાછળ ગયા અને જોયું ગાય ટેકરા પર ચડી એક ખાડામાં ઉભી રહીને દૂધની ધારા વહાવતી હતી. ત્યારે વૃદ્ધ સોની સમજી ગયો કે અહીં ખાડામાં જરૂર કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. જેથી આજુબાજુ સાફ કરતા મહાદેવનું બાણ દેખાયું. ત્યારબાદ ભરવાડ અને સોની હંમેશા મહાદેવની પૂજા કરવા માટે આવતા હતા. સોની ભરવાડને કહેતા કે ,આ સ્વયંભૂ ચમત્કારી દેવ છે. કોઈ પણ કમળ અને શ્રદ્ધા ભાવથી અહીં પૂજા કરે તો તે જરૂર આવતા જન્મમાં રાજા બને છે. ભરવાડે મનોમન મહાદેવની પૂજા કમળથી કરવાનો નિશ્ચય કર્યો. અને ૨૦ વર્ષ બાદ ગોરની સલાહ લઇ ભરવાડે બપોરે મહાદેવ પાસે બેસીને પૂજા કરી તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું માથું કાપી નાખ્યું. તેનું માથું મહાદેવને અથડાઇને અરણીના વાડામાં પડતા ખોપરીમાંથી અરણીનું વૃક્ષ ઉગી ગયું હતું.મહાદેવે ભરવાડની શ્રદ્ધાથી પ્રસન્ન થઈને આ જન્મમાં રાજા બનાવ્યા. પરંતુ અરણી ખોપરી માંથી ઉગી હોવાથી પવનથી હલે છે, જેથી જામરાવળને માથામાં દુખાવો થયા કરે છે. જેથી રાજાને અરણીને કાપવા કહ્યું હતું. ત્યાર બાદ રાજા હંમેશા ત્યાં આવી પૂજા કરતા હતા. તે સમયથી શરૂ કરેલ પૂજા નિમિતે દર મહિને ૫૦ રૂપિયા આજે પણ જામનગરની સરકાર તરફથી મોકલે છે.

ત્યારબાદ પેશ્વા સરદાર વિઠોબાને રક્તપિત્તનો રોગ થતા જડેશ્વરની આસ્થાથી મટી જવાથી તેમણે હાલનું જડેશ્વરનું વિ.સં. ૧૮૬૯ મા ભવ્ય શિવાલય બંધાવ્યું હતું. તે સમયમાં જડેશ્વર મહાદેવ રતન ટેકરી નામે જાણીતું હતું.જેમ જેમ જડેશ્વર મહાદેવની જાણ થતી ગઈ તેમ તેમ ભક્તો આવવા લાગ્યા હતા. આ શિવાલય આજે ભવ્ય તિર્થસ્થાન બની ગયું છે. મોરબીના લોકો જડેશ્વર મહાદેવની ટેકરીને એક હિલ સ્ટેશન માને છે. જેથી અહીં ફરવા માટે લોકોની ભીડ હંમેશા રહે છે. અહીં શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગોત્સવ હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એક દ્વારથી બીજા દ્વાર સુધીની શોભાયાત્રામાં અસંખ્ય લોકો ભક્તિભાવથી જોડાય છે. અને તે જ દિવસે શિવ ભક્તો દ્વારા દર વર્ષે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળાની શરૂઆતથી જ અન્ય મેળાઓ અને તહેવારની શરૂઆત થાય છે, જેમાં દૂર દૂરથી લોકો જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે.

જડેશ્વર મહાદેવને સ્વયંભૂ કેમ પ્રગટ થવું પડ્યું ?

આ પ્રશ્ન માનવ કલ્પનાની બહાર રહ્યો છે.ભગવાન કૈલાસપતિ સાક્ષાત બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતના પ્રત્યેક વિભાગમાં આજે હજારો વર્ષોથી બિરાજમાન છે. એ શાસ્ત્રો મા સિદ્ધ સ્વીકારેલી હકીકત છે.આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે.પરંતુ લૂંટના ઇરાદે ધર્મવિરોધીઓએ સાત વખત મંદિર પાર હુમલો કરી સોમનાથ મંદિર અને મૂર્તિને ખંડિત કરી હતી. જેથી કૈલાસપતિ ભગવાનની મૂળ જ્યોતિ કૈલાસમાં ચાલી ગઈ હતી. તેથી સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું બન્યું હતું. તેના પાંચસો વર્ષ પછી શ્રી જડેશ્વર મહાદેવની સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રગટ થઇ હતી.

મહાદેવ હર જય ભોલેનાથ

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com