સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસણા કરેલા છે. પોતાના સેવાકીય કાર્યોથી, પરમાર્થથી, માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ શગાળશાહ, સતાધારમાં આપાગીગા, બગદાણામાં બાપાસિતારામ, ભગુડામાં માં મોગલ અને મોણીયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મો-જન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે. ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમ ધામના…આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલધામ….
જૂનાગઢના મઢડા ખાતે આવેલ છે આ ધામ
મઢડાવાળી સોનલ માતાજી… જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે મઢડા ગામ… આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે… 700 માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમ ધામ છે. દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી અને વરસાદ પણ ધોધમાર કેમ વરસતો ન હોય. ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનલધામ ખાતે ઉમટી પડે છે.
લાખો ભક્તોની આસ્થાનું છે પરમ ધામ
મંદિરમાં બિરાજીત આઈ સોનલ માંની દયામયી મૂરતના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે. 20 જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસતું પરમધામ છે. આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો. માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. સોનલ માતાજીના ભક્તો દુનિયા ભરમાં ફેલાયેલા છે. આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રધ્ધા ધરાવે છે. માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી.
ભક્તો માતાજીના દર્શન પામીને થાય છે ધન્ય
મઢડા ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીં હરી હરનો સાદ પડે છે. એટલે કે સદાવ્રત ચલાવાય છે. કોઈ ભુખ્યું જતું નથી અને કોઈને સંસારનું દુખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ગામમાં સ્થાનિક લોકો પણ માતાજીની આરતીના દરરોજ દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે.
સવાર સાંજ કરવામાં આવે છે આરતી
પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ દિવસ પુરી દુનિયામાં ઉજવાય છે. માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઈંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે.
આવા તો માતાજીના અનેક ભક્તો છે. તે તન-મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક માં સમક્ષ ઝૂકાવે છે. માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે.
મઢડા ગામે બિરાજમાન આઈ શ્રી સોનલ ધામનો શું છે મહિમા ? ચારણ સમાજ સાથે જોડાયેલું આ મઢડા મુકામનું શું છે મહત્વ ?
મઢડાવાળી આઈ શ્રી સોનલ ધામ… માત્ર 653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ… જ્યાં જન્મ લીધો એક એવી દિવ્ય આદ્યશક્તિએ જે ઓળખાયા આઈ શ્રી સોનલ માતાજીના નામે… સાક્ષાત હાજરાહજુર આઈ શ્રી સોનલના શરણોમાં વસવાટ કરે છે. આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને છે અતૂટ આસ્થા… જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલધામ વર્ષભર ધમધમતું રહે છે.
કોણ હતા શ્રી સોનલ માતા..? કેવી રીતે ઓળખાયા મઢડાવાળી માતાના નામે ? અને શું છે ચારણોની શક્તિપીઠ કહેવાતા આઈ શ્રી સોનલ ધામનો મહિમા ?
ધર્મગ્રંથોમાં ચારણોની દિવ્યતા, મહાનતા અને સિદ્ધિઓના અનેક જગ્યાએ વર્ણન જોવા મળે છે અને ચારણો એ યુગમાં પણ ભારત વર્ષના આદિ પ્રદેશોમાં વસતા હોવાનું જણાવ્યું છે. ચારણોની દેશભક્તિ, કર્તવ્ય પરાયણતા, સંસ્કૃતિની રક્ષા, સાહિત્ય સેવા, વીરતા, નિતિમતા અને ક્ષત્રિયોને દેશભક્તિના પાઠ ભણાવવાની તેમની સેવાની પ્રશંસા આજે સૌ કોઈ કરે છે. ત્યારે આઈ શ્રી સોનલ માતાજીએ પણ વિવિધ સમાજના લોકોને અનેક પરચાઓ પણ આપ્યા. ભક્તોના દરેક કાર્યો માતાજીના આશીર્વાદથી પૂર્ણ થતા હોવાથી ભક્તો પણ આઈ શ્રી સોનલ માતાજીને માનતા હતા.. માં ભગવતીનો જ અવતાર…
ખીમરવંતી પ્રજા.. જેના સ્વરો અને છંદોથી આપણી સંસ્કૃતિને મળી છે નવી ઓળખ.. તેમજ આઈ શ્રી સોનલ માતાજીનો અપરંપાર મહિમા તો આપે જાણ્યો.
આઈ શ્રી સોનલ માતાજીએ કોને કોને આપ્યા પરચાઓ?
આઈ શ્રી સોનલ માતાજીએ પોતાના જીવનકાળમાં માત્રને માત્ર પુરૂષાર્થ… જીવનમાં સત્ય, પવિત્રતતા, સાદાઈ અને સાત્વિકતા અગ્રસ્થાને રાખી. ચારણ સમાજને એક કરવાનું અને વ્યસનમુક્ત કરવાનું સૌથી મોટું અભિયાન છેડ્યું હતું. ચારણ સમાજ પણ આવી દિવ્ય આત્માને ધ્યાનથી સાંભળતા. પોતાના જીવનમાં આઈ શ્રી સોનલ માતાજીના પ્રવચનોને અને વ્યાખ્યાનોને ઉંડા ઉતારતા. આઈ શ્રી સોનલ માતાજીએ વિવિધ સમાજના લોકોને પરચાઓ આપ્યા છે. જે ભક્તોએ જ્યારે સાચા મનથી માતાજીને સાદ કર્યો છે ત્યારે અવશ્ય માતાજીએ પરચા પૂરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
ચીલો વડ શક્તિ તણો, ચારણ ચૂકી જાત
જન્મ ન હોત જગતમાં, મઢડે સોનલ માત
શ્રી સોનલ ધામનો અપરંપાર મહિમા
ચારણ સમાજની અખંડ ઉર્જાનું પવિત્ર સ્થાનક
અખંડ ભક્તિની જ્યાં છે ભભક
જ્યાં બિરાજ્યા છે આઈ શ્રી સોનલ
શું છે સોનલ ધામનો ઈતિહાસ ? કોણ હતા આઈ શ્રી સોનલ માતાજી ?
મહાભારત, વાલ્મીકી રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. કવિ કુલગુરૂ કાલિદાસે પણ આદિના ગ્રંથોમાં પણ ચારણો વિશે સુયોગ્ય ઉલ્લેખ કર્યો છે.
ચાવીસે અવતારોમાંના એક અને શ્રી રામચંદ્ર તથા શ્રી કૃષ્ણ પહેલા થઈ ગયેલા એવા પૃથૃ ભગવાન-પૃથુ રાજાથી માંડીને અલ્લાઉદ્દીન ખિલજી, મુગલ સમ્રાટ અકબર તથા તેના વંશજો તથા બીજા સેંકડો બાદશાહો પણ ચારણોના ગુણોથી આકર્ષાઈને તેમને સનમાન્યા અને વધાવ્યા છે.
એવું કહેવાય છે કે, જે ચારણ… સાચા અને શુદ્ધ ચારણ છે. તે ક્યારેય ખોટું બોલતા નથી. સાહિત્યમાં અને લોકડાયરાઓમાં પણ આપણે ચારણોના છંદ અનેક વખત સાંભળીએ પણ છીએ. ખરેખર.. ચારણોની આપણા ગુજરાતમાં એક અલગ જ ઓળખ છે. જેમાં તે પિવત્રતતા, શુદ્ધતા, સ્વમાનતા, ખુમારી, નિડરતા અને વીરતાના પ્રતીક સમાન ગણાય છે.
ભાવનગરના મહારાજ સાથે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, આઝાદીકાળના રતુભાઈ અદાણી જેવા અનેક લોકો આઈ શ્રી સોનલ માતાજીની વિચારધારથી પ્રભાવિત થયા હતા. આઈ શ્રી સોનલ માતાજી સાથે વિચાર-વિમર્શ કરેલો. જૂનાગઢ આઝાદ થયું ત્યારે જૂનાગઢ ભારતના અવિભાગ્ય અંગ છે તેવું શ્રી સોનલ માતાજી સ્પષ્ટ માનતા હતા.
જે કોઈપણ ભક્ત ચારણ સમાજના આઈ શ્રી સોનલ માતાજીના આ ધામમાં દર્શનાર્થે પધારે છે તે બીજી વખત અચૂકપણે અહીંયા સપરિવાર દર્શનાર્થે ચોક્કસથી આવે જ છે.
ચારણ ગૃહે થયો આઈ શ્રી સોનલનો જન્મ
મા ભગવતીરૂપે પૂજાયા આઈ શ્રી સોનલ
જી હાં.. ચારણ ગૃહે જ્યાં મઢડા મુકામે આઈ શ્રી સોનલ માતાજીનો દિવ્ય આત્મા અવતર્યો. ત્યારે સમગ્ર ગામમાં હર્ષોલ્લાસ અને ઉમંગનો માહોલ હતો. ચારણકુળની આ દીકરી એટલી તેજસ્વી અને દિવ્ય હતી કે તેનામાં સાક્ષાત મા ભગવતીનો વાસ હોય તેવું લાગતું. એટલા માટે જ એક કહેવત પણ આજે લખાય છે.
પોષ શુકલ બીજ સુખ દાઈ,
ચારણ ગૃહે અંબા આઈ
શાયં સમયે ભૂમિ સુત બારા,
શીતલ સમીર શીત અપારા
ચારણ કુળનો મઢડા ગામનો એવો ઈતિહાસ રહ્યો છે કે, સંત સ્વભાવના પિતાજી હમીરબાપુ મોડને ત્યાં.. પાંચમા પુત્રી એવા શ્રી સોનલ માતાજીનો જન્મ થયો. ચાર-ચાર પુત્રીઓ પછી પણ પાંચમુ સંતાન પુત્ર આવે એવી આશા પરિવારમાં સૌકોઈની હોય તે સ્વાભાવિક છે. પરંતુ હમીરબાપુને ત્યાં.. પાંચમી સંતાન આવવાનો હરખ પણ પરિવારમાં એટલો જ હતો. જેટલો આગળની ચાર-ચાર પુત્રીઓનો જન્મ થયો હોય તેટલો. હમીરબાપુને અગાઉ થઈ ગયેલા આ સોનબાઈમાં.. સરાકડીયા વાળાએ વચન આપ્યું હતું કે, તમારી પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે. એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે.
શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે
આજે આઈ શ્રી સોનલ એટલા માટે પૂજાય રહ્યા છે કે, નાનપણથી જ સોનલ માતાજી ખૂબ જ સ્વરૂપવાનની સાથે તીવ્ર બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા હતા. જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા. પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય. આઈ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા. દેશભરમાં પરિભ્રમણ પણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા, જેવા પવિત્ર સ્થળોએ સંતસંગ પણ કર્યા. એક ચારણ હોવાથી માતાજી ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા પણ હતા. શ્રી સોનલ માતાજી.. માં ભગવતી શક્તિ સ્વરૂપ હોવા છતા પણ અન્ય દેવી-દેવતાઓની પણ સ્તુતિ કરતા હતા. ખરેખર… શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો.. ભલ ભલાને આંજી દે તેવું હતું. ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો.
મઢડા ગામ આજે.. ચારણ સમાજમાં જગ વિખ્યાત
સોરઠનું મઢડા ગામ આજે.. ચારણ સમાજમાં જગ વિખ્યાત બન્યું છે. એ પણ આઈ શ્રી સોનલ માતાજીના કારણે.. માં ભગવતી સ્વરૂપે ચારણ સમાજ અહીંયા શ્રી સોનલ માતાજીની નિત્ય પૂજા-અર્ચના કરે છે. આઈ શ્રી સોનલ માતાજીની સ્મૃતિશક્તિ પણ ખૂબ જ સારી હતી. તેમજ જન્મથી જ તેઓ મનસ્વી હતા. એટલે કે પોતાનું જ ધાર્યું કરતા. પરંતુ સમાજના હિત માટે… આઈ માં ગીતો અને હરિ રસના એવા દોહાઓ બોલતા. કે બેઠેલા સૌકોઈ મંત્રમુગ્ધ બની જતા. માતાજી પોતાના મધુરકંઠથી રામાયણની કથા પણ સંભળાવતા. આઈ શ્રી સોનબાઈની યોગ્ય ઉંમર થતા. તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે. પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી. સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્દાર કરવામાં જ તેઓએ વિતાવી. ખાસ કરીને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે અને તેનું સન્માન થાય એ હેતુથી સમગ્ર જીવન જીવ્યા આઈ શ્રી સોનલ માતાજી..