ઓખાઘર પરગટ ભઈ, ને ભગુડે તુને ભાળી;
અજાન પરચા અનેક, મોગલ જિંડવા વાળી.
ભાયલે તું ભભકી ઘણી, ઠરી તું ઠાકારીયાની;
અજાન કહું એ કહાની, મોગલ જિંડવા વાળી.
ભાલ અને નળકાંઠા વચ્ચે ગાંગડ રાજની હદનું ભાયલા નામે ગામ છે, આ ગામમાં એક ઠાકારીયા શાખના ચારણનું ખમીરવંતુ ખોરડું ને એ ખેરડાની દેવ ઓખાઘરવાળી આઈ મોગલ જાણે હમણાં બોલી કે બોલશે એમ શાક્ષાત જાણે બેઠી છે અને આ ચારણનો પૂરો પરિવાર એને ખુબ ભાવથી પૂજે છે, માટે એ ઠાકરિયાની મોગલ કેહવાય છે, ચારણને મોગલ પ્રતાપે ગામને સીમાડે પાડાના કાન જેવી ફળદ્રુપ જમીન ભાગમાં આવેલી ત્યાં કાલા (કપાસ) ખુબ થતો હોઈ જિંડવાવાળું ખેતર તરીકે ઓળખાય છે અને ચારણ ખુબ ખંતથી એ જમીન ખેડીખાય છે એના પરિવારનું ભરણ-પોષણ કરી જીવન સુખેથી મોગલને જપતા જપતા ગુજારી રહ્યો છે,
પણ એનું આ સુખ અમુક લોકોથી જોવાતું નથી, આ ભાયલા ગામમાં પરમાર શાખના કારડીયા રજપૂતોના જાજા ખોરડાં એમાં આ ચારણની પાડોસે એક માથાભારે રજપૂતનું ખોરડું, અને એને આ ચારણનું જિંડવાવાળું આંખમાં કણાની જેમ ખૂંચે એથી ઈર્ષા વશ આ ચારણને બળજબરી ને ક્યારેક અમુક પ્રકારે હેરાન કરી જિંડવાવાળું પડાવી લેવાનો કારસો કરે છે, પણ ચારણ ડગતો નથી એને તો મોગલ હાજરા હજુર છે પણ પરિવારને વારે વારેની હેરાનગતિ અને ધમકીઓથી ચારણ ખુબ મજબુર થયો છે અને “હેરાન થવા કરતા ત્રાગું કરું” એમ એને વિચાર આવે છે વળી મોગલ સમરતા એમ થાય છે કે “હું ત્રાગું કરું તો મારા પરિવારનું શું” આમ વિચારતા વિચારતા આખરે ગામ છોડવાનો નિર્ણય એને યોગ્ય લાગે છે, અને ભાયલા ગામનો અપ્પયો લઇ આંબલિયાળા સહ પરિવાર જતાં જતાં મોગલને પોતાના દુઃખ દરદ સોંપતો જાય છે, આમ એનું ખેતર અને ધીમે ધીમે એટલાથી ન ધરાતા આ ચારણનું ખોરડુંય પાડવાનો પ્રયાસ એ રજપૂત કરે છે ખોરડું પચાવવા ત્યાં નિણ, ઢોર બાંધવાનું ચાલુ કર્યું ને એ ખોરડે બેઠેલી એ ઠાકારીયાની મોગલ કાળ ઝાળ થઇ હો… એક પછી એક એના ઢોર મરવા મંડાણા, એક ઢોર ન રહેતાં એના ઘરના માણહ, ને જુવાન જોધ દીકરા મરવા લાગ્યાં છે, આમ ગભરાયેલ એ રજપૂત કંઈક ભુવા, માંડવા, ડાકલા કરે છે, ક્યાંય ક્યાંય ભટકી જોવડાવે છે એથી એને ઠાકારીયાની મોગલ રુઠ્યાનું જાણકારો કહે છે એ જાણી એ રજપૂત ને ખુબ પછતાવો થાય છે પણ હવે મોગલ કોઈનાથી રોકી રોકાય એમ નથી એ જાણી ચારણો ને ચારણ જ મનાવી શકે એ સમજી એ બાજુના ગામ રાણેસર મોડચારણો ને વાત કરે છે અને કહે છે કે “ઠાકારીયાની મોગલને વિનવી વાળો નહીંતર મારો વંશ નઈ રહે, કાં તો એને રાણેસર લઇ આવો નહીંતર ભાયલું ય નઈ રહે” આ કેહતા રાણેસરના ગઢવીઓ મુંજાણા આ બાપડો આપડી પાહે મદદની આશે આવ્યો છે તો મદદ કરવી એ ચારણ તરીકે ધર્મ છે પણ જો મોગલને અહીં લાવીએ તો એ રૂઠેલી, કોપાયમાન ભગવતી અહીં ડાટવાળે તો કરવું શું? આમ વિચારી રાણેસરના ચારણો અને ભાયલાના રજપૂતો ભેળા મળી ઠાકારીયા ચારણને મનાવવા આંબલિયાળા જાય છે જ્યાં દરબારો સાથે ચારણ સુખેથી રહે છે, ત્યાં આવી આ ડાયરો સઘળી વાત કરે છે વાત સાંભળતા ઠાકારીયા ચારણોની અખોમાં ઝળ ઝળીયા આવી ગયા, ને મનમાં વિચાર્યું મોગલને પુજી સાર્થક હો,,, વાર કરી માં એ હો,,, ભર્યા ડાયરામાં “હા મોગલ મારી માં ખમાં ખમાં, જય મોગલ, જય મોગલ,” થી મોગલને ખમૈયા કરે છે, પણ ભાયલાના રજપૂતો અને રાણેસર ના ચારણો એ ઠાકારીયા ચારણોને મોગલ વાળવા વિનવે છે તેથી ચારણનું હૃદય નરમ પડતાં અપૈયાં કાયમ રાખવાની શરતે એ મોગલને વિનવવા રાજી થાય છે, અને બધાં ભાયલા આવી મોગલને શાંત થવા વિનવે છે અને મહાવિનતે મોગલ ખમૈયા કરે પણ ભાયલા થી દૂર સમગ્ર ઘટનાના મૂળ જિંડવાવાળા ખેતરમાં બેસવાની ઈચ્છા પ્રગટ કરે છે, આથી ભાયલાના રજપૂતો, રણેસરના ચારણો, ઠાકારીયા ચારણો સહીત ફરતા ગામના લોકો માંને જિંડવાવાળા ખેતરે ધામધૂમથી દેરું કરી બેસાડે છે.
આમ આ મોગલના સ્થાનકનો મહિમા જાણી એ મહિમાને વધુ ને વધુ જન સમુદાય સુધી પોહચાડવા વઢવાણના કવિવર બચુદાનજીએ ખુબ પ્રયત્નો કરેલા, ત્યાં લોકડાયરા, સંતવાણીના કાર્યક્રમો રાણેસરના ચારણોના સહયોગથી કરતા અને માં મોગલનું આ સ્થાનક એમના જ પ્રતનોથી મોગલપ્રતાપે પ્રસિદ્ધ થયેલ, રાણેસરના ચારણો કાયમ ત્યાં માંના દિવા ધુંપ, નૈવેદ્ય કરતા અને હાલમાં પણ કરે છે, ભાયલાના એ પરમાર શાખના કારડીયા રજપૂતનો પરિવાર કે જે મોગલના કોપનો ભાગી થયેલ એ પરિવાર નો એક જ પુરુષ સભ્ય (રાજુભાઇ) બચ્યા છે ને સાંભળ્યું છે કે એ કાયમ ઉઘાડા પગે માંને વિનવવા આવે છે અને ઠાકારીયા ચારણો કે જેની આ મૂળ મોગલ છે એ હાલમાં આંબલિયાળા ગામમાં મોગલપ્રતાપે સુખેથી નિવાસ કરે છે ને એ ચારણોમાનું એક ઘર આંબલિયારાથી ચિત્રાસરમાં વસ્યો છે આ બંને ગામે થી ઠાકારીયા ચારણો પોતાની મોગલમાં પાસે કાયમ દર્શને આવે છે પણ ભાયલાનું પાણી આજેય પિતા નથી અપૈયો કાયમ રાખ્યો છે, હાલ માં આ સ્થાનકનો મહિમા ખુબ વધ્યો છે, સરદારસંગ પરમાર ભાયલા (કારડીયા રજપૂત) હાલમાં સંપૂર્ણ જગ્યાનો વહીવટ સાંભળે છે. એમના હાથે ખુબ સરસ રીતે વહીવટ ચાલે છે ને એ સ્થાનકનો ખુબ સુંદર વિકાસ થયો છે, આમ એનો શ્રેય સરદારસંગને જાય છે.
આમ જેના પરચા અપરંપાર છે જેનો શાક્ષી મોટો જન સમુદાય છે એ માં ભગવતી મોગલ મચ્છરાળી જે એને શરણે આવે એ સૌની મનોકામના પુરી કરે છે. હાલ નેશનલ હાઇવે નં8 પર બગોદરા થી બાવળા જતા વચ્યે રાણેસરના પાટીયે બેઠી છે એને કોઈ રાણેસર વાળી, કોઈ ભાયલાવાળી, તો કોઈ જિંડવાવાળી મોગલ કહી સંબોધે છે ને પૂજે છે, પણ હકીકતે એ ઠાકારીયાની મોગલ, એને વારે ચડવાવાળી ભક્ત વત્સલ મોગલ, એને ગમે તે નામે સંબોધો મોગલ એ મોગલ છે. વટેમારગુ ત્યાં અચૂક દર્શન કરીને જ ધન્યતા અનુભવી આગળ વધે છે, મોગલપ્રતાપે સૌની ત્યાં વ્યવસ્થા સચવાય છે અને મનોકામના પુરી થાય છે,… અસ્તુ જય મોગલ ઠાકારીયાની, જય હો જિંડવાવાળી.
માહિતી સ્ત્રોત : કવિરાજ જોગીદાનજી ચડીયા.
સાબિતી: હાલ આંબલિયારામાં આ ઠાકારીયા ચારણોમાં વિષ્ણુભાઈ પાસે બરોટનો બોડીયા અક્ષરવાળો ચોપડો છે જેમાં સમગ્ર હકીકત કંડારેલી છે.
લેખન સંપાદન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)
. ॥ નિત્ય પાઠ મોગલ સ્તુતિ ॥
. રચના: કવિ શ્રી જોગીદાન ગઢવી (ચડીયા)
.
. દોહો
. સદ મતીયું શગતી સમપ, ચુકું નહીં સત ચાલ
. જાળવ તું બ્રિદ જોગડા , હૈ મોગલ હર હાલ .||01||
. છઁન્દ : ભુજંગ પ્રયાત
નમો ચારણી તારણી પાય તોળે, કહો માં ખમાં તો કળોયાંય કોળે
હજી હાજરા તું હજૂરીય હામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||02||
હરે ચીત્ત ચિંતા વિઘન્નો વિનાશે, અખિલેશ્વરી આવીયો એજ આશે
ડણઁકી રિપુ ને દિયો માત ડામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||03||
નહી તર્ક થી જાય તું માત જાંણી, પ્રકટ્ટી ઘટો ઘટ્ટ માં જેમ પાંણી
નતો માત જન્મી નતો મૃત્યુ પામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||04||
નતો યૌવના માત ના બાળ વૃદ્ધા, અજર તું અમર તું તુંહી બ્રહ્મસિદ્ધા
તવા હત્થ મેં સર્પ ત્રિશૂલ્લ તામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||05||
તુંહી દુગ્ધ રા દેગડા માત દેંણી, તુંહિ કાળ ના કાળ ની માત કેંણી
ગમે તમ્મ જાયન કેમે ગુલામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||06||
જગત્ત પાલણી જોગણી માત જાંણી, વિભીન્નાય રૂપાય વેદે વખાંણી અહરનીશ તું શ્વાસ હી શ્વાસ સામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||07||
તુંહી ૐ કારમ તુંહી હ્રીં ધારમ, જીભાં જોગી દાનાય પુન્યમ પુકારમ
ઘણી જોગણી તું ભણી વિશ્વ ધામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ॥08॥
તુંહિ કાલ સર્પા તણાં દોષ કાપે, તુંહિ ધર્મ સ્થાપી અધર્મા ઉથાપે
તુંહિ સર્વ શક્તિ તણો સ્રોત સામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||09||
ભગ્યો ખુબ તોયે જગ્યો નાય જોયું, ખરા અર્થ માં તો ઘણું માત ખોયું
અબે આથડું નઈ થડો ઘટ્ટ થામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી |10||
તુંહિ જમ્બુ પ્લક્ષં તુંહિ સાલ્મ કૂંશં, તુંહિ પુસ્કરા કૌચ કે શાક સુશં
દ્વીપો સાત મેં ભેળિયાળી ભજામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||11||
અતલ તું વિતલ તું નિતલ તું સુતલ તું, ગભસ્તીય માંનં મહાતલ પતલ તું
તુંહી સાત પાતાલ મેં માં સુનામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||12||
તુંહી સમદ રાં નીર વાદલ્લ સારે ,ધરા પે પડે માં તુંહિ મેઘ ધારે
નિરાકાર આકાર તું એક નામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||13||
સુખે માત સોયી જદે પ્રૌઢ જાગુ, મળે દર્શ તોળા નમી એજ માગુ.
ખલક્કે નકો માં રખો કોઉ ખામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||14||
તુંહિ અન્ન તૃપ્તી પરા તું પવન્ના, તુંહિ ભોમ વારી અગન્ના ગગન્ના
તુંહિ સર્વ તત્વો મહીં માત સામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી |15||
દિયો સંતતિ સંપત્તિ સુકખકારી, રિયો ભાવના જન્ન કી હિત્ત કારી
પ્રચંડી અખંડી પ્રચા જાઉં પામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||16||
ભવાં બાળ ભાખે તુંહિ લાજ રાખે, નખે નેણ કોઈ દઢિ દાઝ દાખે.
સગત્તિ ન સાંખે કપટ્ટીય કામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||17||
તવાં ચર્ણ નો આશરો એક ચંડી, પ્રસો હત્થ માથે પ્રલંબા પ્રચંડી.
અજાણ્યું ન તુસે તુંહી અંત્રજામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||18||
ભયી ભૂલ્લ હો કોઈ જાણે અજાણે, પ્રખી રહેમ દ્રષ્ટિય પુત્રં પ્રમાણે
રખી ખોળલે તું કરે દૂર ખાંમી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ॥19॥
શકત્તીય છોરું તણો સિલ્લશિલ્લો, ઉચારું હું સત્યમ ચુકું નાય ચિલ્લો.
કબું ના બનું લંપટી દુષ્ટ કામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ॥20॥
હીયે શું લગ્યો બાળકાં માત હેડો, તુંહી ચાહણી ચારણી તર્વવેડો
ઊદો હું ઊદો ઉચ્ચરી જંગ જામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||21||
મહા મોક્ષ માંનમ થડો ચર્ણ થાનમ, જપે જોગીદાનમ ધરી માત ધ્યાનમ
રમી રોમ રોમેં પલે પલ્લ પામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||22||
ચલ્યા વિન્ન ચિત્તે કરે પાઠ નિત્તે, વલખ્ખે ન વિત્તે જગે જંગ જિત્તે
હજો કાજ હિત્તે પવિત્તે પ્રણામી,નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી .||23||
નમો નામ નારાયણાં બ્રહ્મ રૂપા, શિવે વંદીયું માત શક્તિ સરૂપા
જ્યો હમ જ્યો હમ જ્યો ધુન્ન જામી, નમૉ મોગલ્લંમ્માં નમાંમી નમાંમી ||24||
. દોહો
. ઘાઘણીયા તનયા ધટમ, સમરણ પ્રગટણ સૂર
. જય મોગલ જપ જોગડા, નમન વધારણ નૂર..||25||