શબ્દો ના બાણ માર્યા છે આરપાર દિલમાં
વાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં…1
દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તે
બરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં…2
અજમાવ યાર મુજને કર કોડ પૂર્ણ તારા
સંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં…3
જુલ્મો સીતમને તારા સમજી છુપાવી રાખું
બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં…4
ઘાયલ કરી કાં છોડે કર કત્લ મુજને ઝાલીમ
જખ્મી જીગર ને દુ:ખડા છે પારાવાર દિલમાં…5
તું એક જો મળે તો સર્વે મળ્યું છે જાણું
ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં…6
તારો ન પ્રેમ ટૂટે સત્તાર સત ના છૂટે
એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં…7
– અબ્દુલ સત્તાર