આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ
રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,
રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ
અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,
જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ
સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ
અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,
કહે પ્રીતમ ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…આનંદ મંગલ
– પ્રીતમ