દાદા વચ્છરાજ સોલંકી

શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત
મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…
સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય
શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય..
એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ ,
એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ …

બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભુમિ છે.અને રણ કાંઠો કમભમિ છે.એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે.લાખો ભાવિકો ની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નનીચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા.અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્ય હતા.આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પુરી કરનાર જાગતા વીર તરીકે પુજાઈ રહયા છે.આથી કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે.
ત્યારે તેમની ગૌરવગાથા અને ઈતિહાસની યાદ શ્રધ્ધાળુ માટે પ્રેરણા દાઈ બની રહેશે. સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વિર વચ્છરાજ સોલંકી નુ સમાધી સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ધટના એવી છે કે :-

ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા.“દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.”
“હે વત્સરાજ! તને અમારા ઝાઝેરા ધન્યવાદ છે. ક્ષત્રિયો માટે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળના બિરુદને તે યથાર્થ કર્યું છે. કાલરી ગામ અને કુવર ગામને કેટકેટલાં છેટાં છે તેમ છતાં જાણે આજે તું પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો, અમારું નાક રાખ્યું. તારા ભુજબળે ગામ આખાની ગાયો પાછી આવી પણ મારી વેગડ ગાય પછી આવી નથી.”
“માડી, તમે ખાતરી કરી?” મીંઢોળબંધા જુવાને આઈ દેવલ સામે પ્રશ્ન કર્યો.
“હા, દીકરા બધે જ ખાતરી કરી છે, વગડા સામી નજર નોંધી નોંધીને પણ જોયું છે. વેગડ તો મારા કુટુંબનું માણસ ગણાય. મેં એના વિના અન્ન જળ હરામ કર્યાં છે! જુવાન, મારી ગાય મારા આંગણે લાવી આપ.” ચારણ્યે ધા નાખી.
કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા છે. એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા ચારણ્ય આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો. જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા છે. ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકતા વરરાજવી વત્સરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકીટવાળો સાફો અને કલગી ધારણ કર્યાં છે. જરિયન જામો ઝળાંઝળાં થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે.
બીના તો એવી બનેલ છે કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ બેચરાજીનાં જ્યાં બેસણાં છે તે સ્થાનકેથી ત્રણ કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન. સેવા, ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા. બાર બાર વરસ સુધી ધર્મપરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમનાં રાજપૂતાણી કેસરબાનો ખોળો ખાલી હતો. ગિરાસદારને શોભે તેવી દોમદોમ સાહ્યબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું. તેમણે ગોકુળ, મથુરાની જાતરાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાનાં જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો, પરંતુ જળમાં ઝંપલાવતાં કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો. પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વત્સરાજે જન્મ લીધો. થોડા સમય પછી માતાપિતા બંનેએ લાંબાં ગામતરાં કર્યાં. ગિરાસદારી વહીવટ બલરામ સંભાળવા માંડયા જ્યારે ગૌધણનું તેમજ અન્ય કામ વત્સરાજે માથે લીધું. તેવામાં સમીથી નજીકની ભોમકા ઉપર બેઠેલા લોલાડા ગામના મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીરના અધિપતિ વત્સરાજને નીમ્યા, ખોળે લીધા. યુવાન વત્સરાજે મામાના હૈયામાં અદકેરું સ્થાન લેતાં સામતસિંહ રાઠોડે કુવર ગામના તેમના ભાયાત વજેસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું. ટૂંકા સમયમાં જ લગ્ન લેવાણાં. ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા. “દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.” બૂંગિયો ઢોલ વાગ્યો ને વત્સરાજના કાને સંભળાયો,એના પગ થંભી ગયા. મોં ઉપરનો ઉલ્લાસ અલોપ થયો! આખોમાં ખનખન અંગારા ઝરવા માંડયા. લગ્નની છેડાછેડીને તલવારના એક ઝાટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન ઘોડી માથે છલાંગ મારી. આંખના પલકારામાં આ બધું બની રહ્યું. રતન વાયુ વેગે ઊપડી. લૂંટારું જે દિશામાં ગયા હતા તેનો કેડો પકડયો. લૂંટારુઓનો ભેટો થતાં તલવાર, ભાલાની બટાઝટી બોલી, મારો-કાપોની કિકિયારીઓ સંભળાણી. વચ્છરાજ તે’દી મરણિયો થયો. લૂંટારુંઓ ગૌધણ પડતું મૂકીને ભાગ્યા.
હરખની હેલી મંડાણી ને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરી વાર હાકલ કરી, ત્રીજો ફેરો ફરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે છે ત્યાં વિધવા ચારણ્ય દેવલબાઈની વેદના, વચ્છરાજના કાને પ્રારંભમાં જણાવ્યા મુજબ સંભળાણી.
“પોપટ ને પારેવા તણી રાણા તું રમતું મેલહવે ધર ખાંડા ના ખેલ વેગળ વરણ હે, વાછરા”
એણે હાંક મારી, “ગોર મહારાજ થંભાવી દો આ વિધિ. હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો.” એવાં વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અશ્વાર ઊપડયો. ગણતરીની પળોમાં એને લૂંટારુંઓનો ભેટો થયો. અને..

“પડકારા યુદ્ધ ના પડે , સુરવીરો ઘોડલે ચડે
વીર હાંક સુણી ઉઠયા વીરો , કર લીધી કરમાળ
અંગ રુવા જેના અવળા , બનીયા ક્રોધ બંબાળ
શરણાઈ માંથી સિંધુળો છૂટ્યો , રણ નો રૂડો રાગ
ઝરે રે જ્યાં દુશ્મનને જોતા,આંખ vથી જ્વાળા આગ
મરદો કેરું યુદ્ધ મંડાણું , ખણેણે ભાલા ખાગ
પંજાળા દુશ્મન પાળના કરે , ભાગ ખાગે બે ભાગ
રણ ઘેલુડા રણ માં રમે , ઘોર કરીને ઘાવ
પટ્ટાબાજી માં નર પટાધાર,પાછા ભારે નઈ પાવ
દુશ્મન દળ નો દાટ વાળીને , શહીદ થયા શુરવીર
“ભૂપત બારોટ”કહે રણ ભૂમી માં, રૂડા લાગે રણધીર…

અઢાર અઢાર લૂંટારુંઓને એણે જનોઇવઢ ઘાથી વેતરી નાખ્યા. લૂંટારુંઓ ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઈતિહાસ ની સૌપ્રથમ અદભૂત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસ માં સાબિત થયેલ ઘટના છે, આમ રજપૂતો ના મસ્તક પડે ને ધડ લડતા શુકામ? કારણ કે એ શૂરવીરતા એની પરાકાષ્ઠા એ પોહચી હોય આવું રાજપૂતોમાં જે “ક્ષાત્રતત્વ” હોય છે એને કારણે બને છે. પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો. દેવલબાઈ, પૂનાબા બંને પણ પાછળ હતાં. વચ્છરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગૌખરી બેટ નજીક પડેલાં. ગામલોકો, જાનૈયા, માંડવિયા, કાલરી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચ્છરાજની વીરતાને વંદી રહ્યાં. દેવલબાઈ, પૂનાબા, હીરા ઢોલી વગેરેએ પણ ત્યાં પ્રાણાર્પણ કર્યા. મોતીયો કૂતરો અને રતન ઘોડી ઝૂરીઝૂરીને મર્યાં. રણક્ષેત્રના માંડવે એમણે મહોબ્બત કરી. ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે.

-ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)

Jay Veer Vachchraj Solanki

પીઠી ભરેલા અંગડે, મીંઢોળ બાંધી નીકળો હતો
તલવાર લીધી હાથમા, ઘોડલીયે અસવાર હતો.

મંગલ વરતવા માંડવે, બાજોટીયે બેઠો હતો
રજપૂતી ના રંગમા, મુછે તા દેતો હતો.

વાત સુણી વેગડની, હાકોટા કરતો હતો
રણ મેદાન માં રમવા પડકારા કરતો હતો.

સેના નોતી સાથમા, એકલડો અસવાર હતો
વેગડ વારવા વિરલો સોલંકી સરદાર હતો.

માથુ પડયુ મેદાન માં, ધડથી તોય લડતો હતો
મરદ મંડી ગ્યો મારવા દુસ્મન ત્યાં ડરતો હતો.

ગાયુ લઇને ગામ માં; પાછો જ્યાં ફરતો હતો
વાહરે વાહ વચ્છરાજ તુ મોજથી મરતો હતો.

રંગ છે વિર રજપૂત ને. સોલંકી સરતાજ હતો.
ધરમ કાજ ધીંગાણા કરે એવો વિર વચ્છરાજ હતો

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com