સંવત ઓગણીસ ચોરાણુ , અષાઢી બીજ ના ઉગીયો
પરમેશ્વર ને માત પામવા , જીવનભર ઘણુ ઝુઝીયો
સરસ્વતી મા ચિત્ત ચોટ્યુ , સત મુખે જે ચાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
બાળાપણથી થી રંગ લાગ્યો , સંત સેવા અને સાધ મા
બે જ ભણેલો બાપ એ તો , ઉર ચોટ્યુ આરાધ મા
સેવા કરી બાલાનંદ ની , હરિહરા ને જે ભાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
મહિદાન ને માંગણા , જીવુબાઈ માઁ સુત પામતી
નાણા થી દલ નવ લાગ્યુ , ખરા સંત થી જેને જામતી
નામ જપી નારાયણા , સર્વે હૈયા જે નચાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
સરધાર મા કર્યા સતસંગ , હરિહરા ને બહુ ભાવીયા
આશિષ પામી ગુરુદેવ તણા , ત્યાં બીજ અમૃત વાવીયા
રાત આખી એ રાખી રંગ ને , જગત ને જે તપાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
કરી દિક્ષા મનોમન , હરિહરા ને શરણે થયો
નારાયણ નંદ નામ થી , વૈરાગ ની વાટે ગયો
અંબા શંકર ને કરી અરજી , જે રાજકોટ જગાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
પરબવાળા હનુમાન ભજી , ધરમ આશ્રમ સ્થાપીયો
લીલાખે એક ટાણા કરીયા , તપ કરી ને તાપીયો
નદી કિનારે કરી નાદ ને , ખંત થી જે ખવરાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
માઁ સોનલ દર્શને હાલીયો , હરખાણી એ બાવો ભાળી
વરદાન દીધા વ્હાલ થી , માત તેં મઢડાવાળી
સોરઠ ધરા મા સુરીલો , હૈયા હજાર જે હેરાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
કચ્છ ધરા થી કહેણ આવીયા , ભારે માંડવી ભાવીયુ
બીદડા મા કર્યા બહુનામ ને , સોંપી ગામ ને ચાવીયુ
ભોળાનાથ ને ભાવે ભજી , જે દીપ ત્યાં જલાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
ભારતીબાપુએ હરિદ્વાર મા , નારાયણ ફરી નામ કીધા
પાય લાગી પરમેશ્વરા ને , દેહ ભગવા ને દીધા
ધરમ કાજે ઉંચી ધજા , ચપલેશ્વરે જે ચડાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
ભવનાથ મા કરી ભજન , ગિરનાર મા ગાંડો થતો
હરિહર ની દેતો હાંક ને , હજારો ને ઠારતો હતો
રટતો રાગો રાત ના , રંગ ભારે જે રચાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો
ગાંડુ કર્યુ ગુજરાત ને , અમર થયો ઈતિહાસ મા
નામ સુણુ નારાયણા , પળ બે પળ લાગે પાસ મા
ભૂપત કહે વંદુ ભગત , રાગ ગુંથી જે રોવરાવતો
સુર ગુંજે સંતવાણી ના , આ યાદ બાપુ આવતો