ચૌદ વર્ષ ની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે,
ઐરાવતકુળનો અરિ ગરજે, કડ્યપાતળિયો જોદ્ધો ગરજે,

મોં ફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે,
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે,
કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે,
નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે,
ઉગમણો-આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે,
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે, કૂબામાં બાળકડાં કાંપે,
મધરાતે પંખીડાં કાંપે, ઝાડ તણાં પાંદડલા કાંપે,
પહાડોના પથ્થર પણ કાંપે, સરિતાઓના જળ પણ કાંપે,
સૂતાં ને જાગંતાં કાંપે, જડ ને ચેતન સૌએ કાંપે,
આંખ ઝબૂકે કેવી એની આંખ ઝબૂકે,
વાદળમાંથી વીજ ઝબૂકે, જોટે ઊગી બીજ ઝબૂકે,
જાણે બે અંગાર ઝબૂકે, હીરાના શણગાર ઝબૂકે,
જોગંદરની ઝાળ ઝબૂકે, વીર તણી ઝંઝાળ ઝબૂકે,
ટમટમતી બે જ્યોત ઝબૂકે,
જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે, લસ લસ કરતો જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે, ફરસી લેતો ચારણ ઉઠે,
ખડગ ખેંચતો આહીર ઊઠે, બરછી ભાલે કાઠી ઊઠે,
ઘર ઘરમાંથી માટી ઊઠે, ગોબો હાથ રબારી ઊઠે,
સોટો લઈ ઘરનારી ઊઠે, ગાય તણા રખવાળો ઊઠે,
દૂધમલા ગોવાળો ઊઠે, મૂછે વળ દેનારા ઊઠે,
ખોંખારો ખાનારા ઊઠે, માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે ! કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે ! ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે ! ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા,
ચૂંદડીયાળી ચારણ કન્યા, શ્વેતસુંવાળી ચારણ કન્યા,
બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા,
ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘૂમંતી ચારણ કન્યા,
જોબનવંતી ચારણ કન્યા, આગ ઝરંતી ચારણ કન્યા,
નેસ નિવાસી ચારણ કન્યા, જગદમ્બા શી ચારણ કન્યા,
ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા,
હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા,
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો,
ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો,
જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો,
નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com

One thought

Comments are closed.