શક્તિ ચાલીસા

દોહો

નમન કરૂં નવચંડીકા .પ્રેમે થી લાગું પાય.
સમજણમાં હું શુન્ય છું. મતિ દીજો મહમાય.1.

આઇ અનેકો અવતરી. જગદંબ ચારણ જાત.
માડી આજ મનાવવી. મન સમરીને માત.2.

આરદ કરૂં છું આવજો. પ્રેમે ધરજો પાવ.
છોરૂ ઉપર જો સ્નેહનો. ભીતરમાં હોય ભાવ.3.

છંદ હરિગીત

આધ્યશક્તિ ઇશ્વરીને ચારણો પર સ્નેહ છે.
જાણ્યું જગતનાં માનવો માં દેવ જેવો દેહ છે.
શીલ સુર સંસ્કારના એ પાઠ જગને પઢાવતી.
અણવખત એ કાજ અંબા વ્હાર વેગે આવતી.1.

સુમરાનો સિંધ પ્રાંતે ત્રાસ વાધ્યો ત્રેવડો.
નાત ચારણ નોતરી બઘડાટ કીધો બેવડો.
સમાઓને સિંધ સોંપી સ્થિર શાસન સ્થાપતી.
અણવખત માં આવડ સ્વરૂપે વ્હાર વેગે આવતી.2.

સિકંદર સમ્રાટ થાવા હિન્દ બાજુ હુકળ્યો.
દેવોની દુનિયા પામવાનો મનસુબો મનમાં કર્યો.
તુંબેલની લઇ બેલ્ય માડી ખડગ તું ખખડાવતી.
અણવખત માં હિંગળાજ રૂપે વ્હાર વેગે આવતી.3.

વલ્લભીપુરે રાજ વાળા શિલાદિત્ય શોભાવતો.
અવળી મતી એ આચરીને તે પ્રજા ફફડાવતો.
ગોહેલને ગાદી સમર્પી સાન દઇ સમજાવતી.
અણવખત માં ખોડલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.4.

ખોડી તું આવ્યે બેન દોડી ક્ષેમ ખેતલ વાંચ્છતી.
સુરજ ઉગે તો શું થશે રઘવાઇ થઇને રાચતી.
પલમાં જ દઇને આણ સુરજ ભાણને થંભાવતી.
અણવખત માં આવડ સ્વરૂપે વ્હાર વેગે આવતી.5.

માડી તું મચ્છુ કાંઠડે ઉઢાસ એભલ આંગણે.
રૂમ ઝુમતી રમતી હતી નર સર્વને વીરા ગણે.
જે ચુંદડી શીરે ચડે પલમાં જ એ પ્રજળાવતી.
અણવખત માં તું હોલ રૂપે વ્હાર વેગે આવતી.6.

દળ કટક લઇને સિંધમાં જ્યાં જુનાણું જાતું હતું.
નવઘણ તણી સેના તણું ત્યાં કુરડીએ ભાતું હતું.
વડ પાન ખેરી તાંસળી ત્યાં ચરૂડી ખખડાવતી.
અણવખત માં વરવડી રૂપે વ્હાલ વેગે આવતી.7.

સમય થોડો સિંધ જાવું ઘોર સાગર ઘુઘવે.
માત રસ્તો ના મળે નવઘણ તણું મન મુંજવે.
સાગર તણાં જળ સુકવી રઢીયાળો રાહ બનાવતી.
અણવખત માં પીઠડ સ્વરૂપે વ્હાર વેગે આવતી.8.

બારવણ બળ કરી આવ્યો ફુલ લાખો ફરફરે.
માવલથી માંડી મીટ દેવી સુત આમાં કંઇ કરે.
નવનાળ કાચે કુંભ માડી સાદ તું  સંભળાવતી.
અણવખત માં રવરાય રૂપે વ્હાર વેગે આવતી.9.

વાજાના રાજે  વાણીયો વહીવટ ખુદ ચલાવતો.
વાજાને કરતા વાત એમાં લક્ષ કંઇના લાવતો.
વેળીયું તેં રાજ વાજા તું પાંખડી ફફડાવતી.
અણવખત માં કાગલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.10.

દિલ્હી તણા તખતે જે વખતે મોગલાં દળ ચાલતાં.
કામાંધ થઇને કટક એ મીના બજારે માલતાં.
બાઇ દબાવ્યો બાદશા કર કટારી ચમકાવતી.
અણવખત માં રાજલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.11.

બાકર બની બેફામ ને એ દિલ બધાનાં બાળતો.
સરદાર વાળો શેખ ભુંડી નજર સહુને ભાળતો.
જમદ્વાર ભેજ્યો જીવણી તું કડડ દંત કકડાવતી.
અણવખત માં સિંહમોઇ રૂપે વ્હાર વેગે આવતી.12

રૂચ્યો વછેરો જામ રાવલ આઇ આંગણ શોભતો.
સમજાવતાં સમજ્યો નહીં ને લાલચે મન લોભતો.
એની જ પાપી આંગળીથી આગ તું પ્રગટાવતી.
અણવખત  માં કામઇ સ્વરૂપે વ્હાર વેગે આવતી.13.

ભાભી કહેવી કુળ ચારણ એ ભયાનક પાપ છે.
જાતું રહ્યું સઘળું જુનાણું ચારણી નો શ્રાપ છે.
રા કુળ રાતે પાણીએ રોયાં છતાં રજળાવતી.
અણવખત માં નાગલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.14.

ગઢ જુનાને ગમ નહીં મસવાડીયુ ર્યે માગતા.
મુવા પશુના દાણ નામે પ્રજાને ફફડાવતા.
નવાબને ચરણે નમાવી માડી માફ કરાવતી.
અણવખત માં સરકડીયે સોનલ વ્હાર વેગે આવતી.15.

વસમા દુકાળને વાવ બાંધી કષ્ટ પાણી કાપીયાં.
સહુ વરણ સાથે ભરે પાણી વચન એવાં આપીયાં.
સંસાર સઘળું કુળ એકજ સર્વને સમજાવતી.
અણવખત માં જાનલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.16.

જાતી હતી માં જાતરા બળદ બીજો ના મળ્યો.
કપરાં વચન કાને પડ્યાંને ક્રોધ અંગે હુકળ્યો.
જોડ્યો બળદની જોડ્ય સાવજ વેલ્ય માત ચલાવતી.
અણવખત માં ચાપલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.17.

ઘુમલીએ ઘમસાણ ભુમી ભાણને ના સંઘરે.
જુગતે જમાડે જેઠવો ભતવારી થઇને તું ફરે.
ભાળીને જોધા જામના તું પથ્થરમાં પલટાવતી.
અણવખત માં વિંજેશ્વરી થઇ વ્હાર વેગે આવતી.18.

બાપલ દેથાની દિકરી કર્મી ત્રણેય કેવી થઇ.
કુકડો કડેડ્યો પેટ પાપી સાદ તેં દીધો સહી.
વેંદારતી દખ વાંજીયાના હેતથી હરખાવતી.
બુટ બલ્લડ બૌચરા માં વ્હાર વેગે  આવતી.19.

દ્વારકાને દેવળે શીખર ધ્વજા જ્યારે ચડે.
બેઠી તું ઘુમ્મટ શીર શ્રીફળ  પ્રથમ માં તુજને ચડે.
ભાગ્યા તા ભુંડે હાલ મુગલ તું કર ભ્રમર ગુંજાવતી.
અણવખત માં માંગલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.20.

દુકાળ બાંધ્યો ડેરમાં રવાઇએ બાંધ્યાં રોગને.
સાધના સતીએ કરી જોગીના જાણે જોગને.
દેવસુરનાં દુખ ભાંગવા ધ્રોડીને ધેન ચરાવતી.
અણવખતમાં માંગલ સ્વરૂપે વ્હાલ વેગે આવતી.21.

આવ્યાતા આંગણ ઓલીયા મન ભાવતાં ભોજન ધર્યા.
મક્કાથી ખપ્પર મેળવ્યાં છે આભ રસ્તે ઉતર્યા.
ઝાખીને માડી ગઇ જમી  પરચા પીરાઇ બતાવતી.
અણવખત માં જાનબાઈ રૂપે વ્હાલ વેગે આવતી.22.

મધુવંતી મ્હાલે મદ ભરી બે કાંઠડે ભરપુર છે.
વિણ થંભ વરસે વાદળો ને ચિતમાં ચકચુર છે.
એક ઓઢણીની નાવ સામે તીર તું ઉતરાવતી.
અણવખતમા પુરબાઇ પાતે વ્હાર વેગે આવતી.23.

એરડાના ધેન વાળી સિંધીઓ જાતા રહ્યા.
વલવલે ખીલે વાચ્છરૂ ગમગીન ગાંગરતાં રહ્યાં.
કરીને ત્રાગાં ચોગાળાં  ધેન પાછાં વાળતી.
અણવખત માં બેનબાઇ રૂપે વ્હાર વેગે આવતી.24.

મારે નથી કાંઇ બોલવું મુંજાય છે મારી મતી.
બડબડ કરે તું બોઘરા તે શું થશે તારી ગતી.
છત્રાવીયા છોરૂ મળે ના વંશ વ્રૃક્ષ ઉથલાવતી.
અણવખત સુંદરબાઇ રૂપે વ્હાર વેગે આવતી.25.

ગાયો માટે ગામ ગામે પાળીયા ઉભા ઘણા.
મીણબાઇ જાનલ ને ભન્યામા કેટલાને હું ગણા.
સત ચારણો નાં છે ઘણા બળ થકી માત બતાવતી.
અણવખત માં તું ભીડ ટાણે ભેળીયાળી આવતી.26.

આવી લીલા કુળ આંગણે દીધાં વચન વિર વાછરે.
કળીકાળે કાળી નાગનાં દખ ડંખનાં આઘાં કરે.
કપરાં સમયના કોલમાં જ્યોતે જવાબો આપતી.
અણવખત માં વાછલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.27.

રવ ઉઠ્યોતો રાણમાંથી મેંદ ના કર ઘાવ તું.
જોગી જુઠો છે જાણ દઉ બોલે બધા ભરમાવતો.
પાટવડ પરસો બનાવ્યો મેંદને સમજાવતી.
અણવખત માં થઇ રાણવારી વ્હાર વેગે આવતી.28.

પુજા પ્રસાદીના પછી જાનબાઈ અન્ન આરોગતી.
સમય મળ્યો ના સાસરે ઉપવાસ થી થઇ અધગતી.
માં તોડીને માલડો તું શાનમાં સમજાવતી.
અણવખત માં શીંગાળી રૂપે વ્હાર વેગે આવતી.29.

અણ સમજ અવળા અર્થમાં કંઇ સાહિત્ય સર્જન થયું.
બરડા ધણીનું બિરૂદ દઇને  મેઘનું સમરણ કર્યું.
ખાંગા થયાતા મેઘ બારેય વાલપથી વરસાવતી.
અમરાકાજાની ઉજળી થઇ વ્હાર વેગે આવતી.30.

નેચડા કુળને નેસડે એભલ અહીં આવી ચડ્યો.
કવેણ બોલ્યો કંથ એને કોઢ અંગે ઉપડ્યો.
વાળાનું વાઢી શીશ કાઢી કોઢ તું સમજાવતી.
કીધો સજીવન કુંવર સાંઇ વાર વેગે આવતી.31.

હરખી હેમાળે ગાળવાને હાડ શેણલ નીકળી.
ભરવાડ ભીડું ભાંગવા અંતર કરૂણા ઉપડી.
ઉગે દાતણની ચીરથી વડ દિલાસા દેવરાવતી.
આઇ ગમારા શેણીયાના વંશને વિકસાવતી.32.

મઢડે તું પ્રગટી માત સોનલ ચારણો સમજાવવા.
ડુકી ગયાં દૈવત અમારાં ફરીથી પ્રગટાવવા.
દુષણ તજો ને દેવ થાઓ સ્નેહથી  સમજાવતી.
અણવખત માં સોનલ સ્વરૂપે વ્હાર વેગે આવતી.33.

આવ્યો સમય માં આકરો જગદંબ કાં જોતી નથી.
આંસું અમારી આંખનાં કાં લાડથી લું તી નથી.
હેતેથી ફેરવ હાથ માથે છોરૂને સમજાવતી.
અણવખત માં અવસર પડ્યે જેમ વ્હાર વેગે આવતી.34.

ચારણ તણા છોરૂ હવે પરનાતમાં પલટી રહ્યાં.
પોલાદ પલટી બીડ ત્યાં રણકાર એમાં ના રહ્યા.
અવસર પડ્યો અવતાર લે સમજાવને દે સન્મતી.
પ્રાર્થનાને સ્તવનમાં જેમ વ્હાર વેગે આવતી.35.

સમય તણી માં ચોટ લાગી વેણ તમણાં વિહર્યા.
હરખાળી હુતા હેત અમ પર આઇ તોળા ઓસર્યા.
ખેલવ્યે માં ખોળલે  તું વ્હાલપ ના વિસરાવતી.
અણવખત માં જેમ આંગળી દઇ વ્હાર વેગે આવતી.36.

બાઇ તોળા બળ ભરૂંસે છે નાવડી મેં નાંગરી.
જબરૂં છે બાનું જોગણીનું ભેળીયોને પાંભરી.
એની તું છતર છાંયમાં માં સ્નેહથી સુવડાવતી.
અણવખત આવો ઇશ્વરી જેમ વ્હાર વેગે આવતી.37.

આઇ જો આશિષ તમ તણી તો સુખ સંપત સાંપડે.
આવડત અધિકાર આદર અચાનક આવી મળે.
મહા મુર્ખ ને પણ સુક સમતું પુરણ પાઠ પઢાવતી.
અણવખત માં આદર સ્વરૂપે વ્હાર વેગે આવતી.38.

બાઇ હું તારો બેટડો માગું છું માં સમરણ કરી.
મારી ઉપર જો માવડી હોય હેત જો હૈયે જરી.
આવો માડી મુજ આંગણે પાવન પગલીયુ પાડતી.
આવ્યો સમય અવતાર લ્યો જેમ વ્હાર વેગે આવતી.39.

માડી નથી નવરાશ કે હું ધૂપને દિવા ધરૂ.
પટડા થવું ના પાલવે પણ સ્નેહથી સમરણ કરૂં.
તને થાય કે મારો છે તો તું આવજેને મનાવતી.
પા પા પગલીયુ પાડતો પડતોને દોડીને આવતી.40.

ભગવતી ગાવું ગુણ ભાવે દેવીઓ દિલમાં ધરો.
કપરો સમય કદીએ ન વ્યાપે કર્મ મુજ એવાં કરો.
સમર્યે મને દ્યો સાદ ને વાલપ રહો વરસાવતી.
અણવખત માં આધાર રૂપે વ્હાલ વેગે આવતી.41.

ભાઇજી ભવ સાગરે થી સર્વને જાવું પડે.
એવે સમય માં આપનું જો ચિતમાં સમરણ ચડે.
સ્થિર થઇ તારે ચરણ અટકી પડે મારી મતી.
ઉપકાર કરજે એટલો ભવના ફેરા અટકાવતી.42.

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...