ભીંજાઈને આવે છે ઘેરે ભતવારી

અણધારી આવી છે હેલી આષાઢની
છલકી છે ધરતીની ક્યારી .
ભીંજાઈને આવે છે ઘેરે ભતવારી .

છબછબીયાં કરતો તો સંગે એને છોકરો,
હરખ્યો છે હાથ બે ઉલાળી .
ભેળી છે ભેંસ એક માકોલીયાં મારતી,
ડારો દેતીતી ડચકારી . ભીંજાઇ . ૧

નીચાં પામ્યાં છે થોડાં પલળીને પીછડાં,
જબરી જુવારની ભારી .
નીચે નમીને હાલે બેય બાજુ ઝુલતી,
લોડાવી હાથ લચકાળી . ભીંજાઇ . ૨

ભાલ અને ભવાંનાં નીર આવે નાક પર,
ટપકે ત્રિવેણીનાં વારી .
પાપણને પોપચે ટાંક્યા છે હીરલા,
ઝંઝેળે હાથથી ઉલાળી . ભીંજાઇ . ૩ .

નિતરતાં નીર ચીર ચોંટે શરીર પર,
હડસેલે હાથથી ઉખાડી .
પલળેલી પીઠ પર છુટ્યો અંબોડલો,
જાણે નાગણીયુ કાળી . ભીંજાઇ . ૪ .

ગોઠણ લગ ગોઠવાયો વાળીને ચાલતી,
પાણીની ઉડે પીચકારી .
વિજળીના ચમકારે પ્રતિબીબ પાડતી,
જાણે કે કામની ક્યારી . ભીંજાઇ . પ .

ભાઇજીભાઇ જરા સંભાળી ચાલજો,
ભડકણ છે ભેંસ આ અમારી .
ભુરાઇ થઇ છે એ આજે ભીંજાઈને,
અડફેટે લઇ દે ઉલાળી . ભીંજાઇ . ૬ .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...