વાવ્યો તેં વડલો માત સોનલ

આઇ અમારે કાજ , અવનિ ઉપર છો અવતરી .
ગંગા કહું યમુના કહું છો ગોમતી કે ગૌતરી .
મઢડા મુકામે માતનો અણ વખતમાં ઉદય થયો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 1 .

સુખની હવા સહુને મળે મીઠી મધુરી છાંયડી .
એ કાજ હરખે આદરી મહેનત અનેરી માવડી .
પ્રબળ પ્રતાપે પાંગર્યો અવકાશમાં ઉદય થયો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 2 .

ત્રિતાપથી તપતી હતી જે દેવ ચારણ નાતમા .
એવા કઠણ કળીકાળમાં પ્રગટ્યાં તમે પરમાત્મા .
સંતાપથી છુટે સહુ સંકલ્પ મનમાં ચીતર્યો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 3 .

બ્રમજ્ઞાનનું લઇ બીજ ચારણ ચિતની તો સુ-ધરા .
કડવાણ પટ દઇ કેળવ્યું ખર વળીને ખાડા કર્યા .
ખંતથી રોપી ખાસ ફરતો પ્રેમથી પાળો કર્યો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 3

પાણી પ્રતિજ્ઞા તણા સીચ્યાં નાત આંગણ નોતરી .
ખાતર ભર્યા ખમીરનાં પૂર્વજ તણી યાદી કરી .
રક્ષણની કીધી વાડ કે સૌ ચારણોની રીત રયો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 4 .

પ્રવિણ મધુડો, કાગ, દુલો, પીંગળસીએ પોશીયો .
વધ્યો ઘણો વડવાઇ થઇને વિશ્વભરમાં વિસ્તર્યો .
સંસ્કાર શિક્ષણ સમુહ લગ્નો સમેલન છાંયો થયો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘુર થ્યો . 5 .

શિતળ જળનાં થ્યાં પરબને ગીત પંખી ગાય છે .
પંથી ખોલે ભવ તણા ભાતાં તે ધ્રપીને ધ્રાય છે .
સુખચેનથી લ્યે સહુ વિસામો થાક તનનો દૂર થ્યો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘૂર થ્યો . 6 .

દેવ જેવા દિકરા જગદંબ તનયા અવતરે
અવનિ ઉપર અંજવાસ એના પુનિત પગલાંથી પડે .
ભાઇજી પર ભાવ રાખી આઇ એ આશિષ દ્યો .
વાવ્યો તેં વડલો માત સોનલ ઘટાઘન ઘેઘૂર થ્યો . 7 .

– ભાઇજીભાઇ ચાટકા , અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...