
છંદ ઝુલણા
કૈક કીમીયા કરી રાજ લીધાં બધાં છત્રપતિ સેન વીના બનાવ્યા .
એવા અંગ્રેજને બોધપાઠો દઇ પ્રજા બળના તેં પરચા બતાવ્યા .
બોમ ગોળાને બંદુક બરછી તણા બળ થકી વિશ્વમાં હાક વાગે .
કબા ગાંધી તણા કુંવરની લાકડી ભાળીને મોં ભરા એજ ભાગે . ૧ .
સુટને બુટ મોજાને મફલર થકી આબરૂદાર જગમાં થયાતા .
ધન ધુતી જગતનાં ભર્યા ભંડારને વિશ્વ વિજય સઘળે કર્યાના .
આબરૂ હીણને તે ઉઘાડા કર્યા ભાગી જાવા તણી ભાખ ભાખી.
કબા ગાંધી તણા કુંવર તેં બહુ કરી પોતડી ભર રહી પત રાખી . ૨ .
ખોટા ખોરાકને વેણ ખોટાં બધાં નેણને શેણમાં ખોટ ભાસે .
ચાલ ખોટી એવા વિલાયત વાંદરાં આપણે કેમ પોસાય પાસે .
તગેડ્યા તેં હતા કેવી ત્રેવડ તને અહીંસાનો અણુબોમ દાગ્યો.
કબા ગાંધી તણા કુંવર તેં બહુ કરી સત્યનો તાપ સઘળેથી લાગ્યો . ૩ .
છુત સમજણ દઇ અછુત આગળ કરી નીર નેવાનાં મોભે ચડાવ્યાં .
પાક નાપાક ને પ્રેરણા ત્યાં મળી અલગ ઇસ્લામ સ્તાનો બનાવ્યાં ,
નાગ લોકે પુરો ન્યાય ના દઇ શક્યો અચાનક કેમ પરીયાણ કીધું .
કબા ગાંધી તણા કુંવરના કામને મોદીએ આજે એ હાથ લીધું . ૪ .
રાણાના રાજમાં કરમચંદ ગાંધી ને પુછી પુછી બધા પાવ ભરતા .
લેલીએ લાભ દીધો ઘણો રાજને છતાં ગાંધી ને સેલ્યુટ કરતા .
સુદામાપુર સૌરાષ્ટ્ર સાગર તટે ભાઇજી ત્યાં વસ્યો શુભ જાણી .
કબા ગાંધી કુંવર જગતનો બાપ થઇ પોર મારાનું રાખ્યું તેં પાણી . પ .
– ભાઇજીભાઇ ચાટકા , અમરાપર