હરિ હર સદા હાજર હશે

છંદ હરિગીત

રાજા ચારણને વાણીયો નાની ઉંમરની નાર જે.
એને ન ભક્તિ ઉપજે ઉઠે તો બેડો પાર છે.
ખંત કરી લ્યો ખાતરી ખર્ચો ન એમાં કંઇ થશે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર હશે.1.

નથી હાથ પાવ હલાવવા માળાને મંતર મુકવા.
હોઠ પણ નવ હલબલે ને પદ્મ આસન ચુકવાં.
નાંભીથી ઉઠે નાદ એ અંતર તણો જ અવાજ છે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર હશે.2.

થોડો સમય મન સ્થિર થાતા આપ મેળે ઉઠશે.
જે અજંપા જાપ થઇ તન જાપ તોય ન તુટશે.
ઇશ્વર ઘરે આદર મળે ને ભાગ્ય સારાં એ થશે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર હશે.3.

ઘટમાં પડે છે ઘાવ ઘણ જો હાથ હ્રદયે રાખજે.
ધરર ધરર સ્વર ઘંટડી દેખાય નહીં પણ થાય છે.
બોલે તે બીજો કોઇ નહીં વિશ્વાસ એવો આવશે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર હશે.4.

નકટા ઘણા નાસ્તિક થઇને નફકરા ફરતા હશે.
ધન મદ અને ધ્યુતના પ્રપંચે ધન્યતા ગણતા હશે.
હરિ આવશે નહીં હાથમાં હાઉક કહી હાલ્યો જશે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર થશે.5.

ભાઇજી કે છે ભાવ જો અંતર મહીં થી ઉપડે.
મારૂં કહ્યું કરતા નહીં પણ સદબુધ્ધિ સો સાંપડે.
સાફલ્ય જીવન થાય સઘળું મોક્ષ માર્ગ ખુલશે.
હર હર સમર હર હર પલે હરિ હર સદા હાજર હશે.

- ભાઇજીભાઇ ચાટકા. અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...