ઢાળ . માડી તારો બેટડો આવે .
સાંભળીયું છે રામની વાતો એને મળવા જીવ અથરો થાતો .
પથ્થરામાંથી પ્રગટી નારી પાવ તણો એ પ્રભાવ .
ચરણોમાં ચિત ચોટતું એથી લેવો મળતો લાવ .
નેહથી બાંધવો નાતો . મળવાજીવ . ૧ .
વનમાં તેં તો વરસો કાઢ્યા ને બહૂ ખાધાં હોય બોર .
શબરી વાળાં બોરમાં રાઘવ સ્વાદ હતો શું ઓર ,
એઠાં બોર એમનાં ખાતો . મળવા જીવ . ૨ .
કૈક તાર્યા કૈક તારશે એમાં કેવટે કીધું કામ ,
પાવ ધોઇને પી ગયાં પાણી તારવા કુળ તમામ .
ન્યાળી ને વીર અકળાતો . મળવા જીવ . ૩ ,
જટાયુના તેં જખમો ભાળ્યા હેતે ફર્યોતો હાથ .
રૂજવ્યા રાઘવ પલમાં પ્રેમે એને ઉધાર્યો નાથ .
પ્રભુ હાથે પ્રજળી જાતો. મળવા જીવ . ૪ .
વાલીનો હાથે વધ કરી સદૈવ આપ્યું . તું સુખ .
સુગ્રીવનો લઇ સાથને ભાળ્યું માતા સીતાનું મુખ .
એવો ઉપકારનો નાતો . મળવા જીવ . ૫ .
બેઠો છે તારાં બારણાં બાંધી હજી સુધી હનુમાન .
ભાઇજી કે એ ભોળીયાની તું ભાંગ ભીડ્યું ભગવાન .
ઉરે હોય ભાવ ઉભરાતો . મળવા જીવ . ૬ .
– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર