વરરાજો વચ્છરાજ – મણિયારો

ઢાળ . વિલંબીત મણીયારો . નાગ છે મારો નાનો દેરીડો .

આજ કતપર કીનખાબના માફાની હાલી આવે છે હેડ્ય .
આવે સોલંકીની શોભતી જાનો જાણે સાગરની વેળ્ય .
સાયકસીનો લાડલો કુંવર વરરાજો વચ્છરાજ . ૧ .

રાજરંભાનાં હુકળ્યા ટોળાં જબરી ઝાકમઝોળ .
શીર અતલસનાં ઓઢણાં શોભે ગાજતી ગીત ઝકોળ .
રીણાયલનો રાજવી કુંવર વરરાજો વચ્છરાજ . ૨ .

ઢોલ ત્રંબાળુની ધ્રિસ બોલેને ઘોડલાં ની ઘમસાણ .
સામૈયું એવું શોભતું રૂડું માળવા ઉભા ભાણ .
સોલંકી નો લાડલો કુંવર વરરાજો વચ્છરાજ . 3 .

હાથીની હાલ્યે હાલતો આવે સામૈયા કાજે સમાજ .
પેર્યા પટોળાં ને ગીત ઝકોળાં કોકીલ કંઠ અવાજ ,
વધાવવા વ્હાલથી રૂડો વરરાજો વચ્છરાજ . ૪ .

ઉભી અટારીએ નજરૂ ઢાળી નિરખ્યા નમણા નાથ .
સાહેલી સંગ છુપાઇને છાંટ્યા મગ ત્યાં હળવે હાથ .
માણીગર મનનો રૂડો દિલ નોંધ્યો વચ્છરાજ . પ .

પ્રેમથી પોંખ્યોને પાવ ધીમેથી મારતા મંડપ માંય .
નેણાં ઠરેને દિલ હરે એવા ભાળી હૈયાં હરખાય .
લાખેણો લાડલો એવો વરરાજો વચ્છરાજ . ૬ .

ઘુંઘટે ઘેરેલ હંસની હાલ્યે લાડલી ત્યાં દરશાઇ .
બેઠાં બાજોઠે સામસામે બેય બાજુ હૈયા હરખાય .
સજોડે શોભતો સુંદર વરરાજો વચ્છરાજ . ૭ .

હથેવાળા માટે હાથ લંબાવ્યા ત્યા ચારણ્યે દીધો સાદ .
ધાહ દઉં છું ધ્રોડજો વીરા ધર્મ થતો બરબાદ .
એ સરવા કાનથી સુણી વીર ઉઠ્યો વચ્છરાજ . ૮ .

વરમાળા એણે વેગળી કીધી તાણી લીધી તલવાર .
તંગ કસોકસ તાણીને ઘોડે ઉછળી થ્યો અસવાર .
છંછેડેલ સિંહ સમો એ વીર હાલ્યો વચ્છરાજ . ૯ .

લાગી બાટાઝૂટ બરછી ભાલાંને તેજવંતી તલવાર .
ધીંગાણાંમાં તો ધધકે ધારાને બહુ બોલે બોછાર .
ઢીમ ઢાળી ને બારનાં પાછો વીર વળ્યો વચ્છરાજ . ૧૦ .

ઘાવ જીલ્યાંમાથી ધધકે ધારોને પાટા પીડી જ્યાં થાય .
દેવલ ચારણ્ય દોડતી આવી મારી વેગડ ના દેખાય .
વેબને વારવા માટે વીર ચડ્યો વચ્છરાજ . ૧૧ .

કુળ મ્લેચ્છ નું કાઢવા માટે ડાડો પોગ્યા ડુંડાસ .
ઘેર્યો તોયે ધમરોળવા લાગ્યો ધરમૂળેથી ધ્રાસ .
પડ્યું શીશ ધરણીએ તોય વીર લડે વચ્છરાજ . ૧૨ .

ભાગ્યા મલેચ્છો ભાન ભુલીને આંધળી મેલી દોટ .
ધડ ધનાધન ધમરોળેછે સમશેરે દઇ ચોટ .
નિકંદન કાઢવાનું નીમ વીર લીધું વચ્છરાજ . ૧૩ .

કુળ મલેચ્છોનું કાઢીયું રૂવે નારીઓ નિરાધાર .
ધીરજ આપીને ધડ પડ્યું છે મહુવાની બજાર ,
ક્ષત્રી વટ રાખવા વાળો વીર પુજો વચ્છરાજ . ૧૪ .

નવાપરામાં નેહડો મારો શોભતું છાંયા ગામ .
ત્રિશુળ શોભે છે ટોડલે મારે ભાઈજી ચારણ નામ .
ઉઘાડું આંખ ત્યાં ભાળું વીર સામે વચ્છરાજ . ૧૫ .

– ભાઇજીભાઇ ચાટકા . અમરાપર

Author: Jabbardan B. Gadhavi (JB)

Tumhare bas me agar hai to bhul jao hame...