હિન્દુ ધર્મનાં શક્તિ પીઠ

હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. પરંતુ અલગ અલગ શાસ્ત્રો પ્રમાણે શક્તિ પીઠની અલગ અલગ સંખ્યા કહેવામાં આવી છે. પરંતુ દેવી ભાગવતમાં ૧૦૮, કાલિકા પુરાણમાં ૨૬, શિવચરિત્રમાં ૫૧, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં ૫૨ (બાવન), તો અમુક શાસ્ત્રોમાં ૮૪ શક્તિપીઠ જણાવેલ છે. શક્તિ પીઠો એ બ્રહ્માંડની અસીમ રહસ્યમયી શક્તિ અને ઉર્જાનું સ્થળ છે જ્યાં માતાનાં સર્વરૂપોનું પૂજન અને તપ કરવાનું મહત્વ રહેલું છે, પરંતુ તાંત્રિક તેમજ વૈદિક વિધિઓ માટે શક્તિ પીઠોનું સ્થાન અધિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવ્યાં છે. શક્તિ પીઠોમાં બ્રહ્માંડની ઉર્જાનો ભંડાર ભર્યો હોવાથી સિધ્ધી અને મોક્ષની પ્રાપ્તિ મેળવવા ઇચ્છતા સાધકો ત્યાં વધુ જાય છે.

પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞની અગ્નિમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને લઈ પૃથ્વી પરિભ્રમણ કરવા લાગ્યાં.ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું આ તાંડવ સ્વરૂપ જોઈ પોતાના ચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કરી નાખ્યાં. સતીના દેહના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠોની રચના થઈ. ભારત સિવાય પાકિસ્તાન, શ્રી લંકા, અને બાંગ્લાદેશની ભૂમિમાં આ શક્તિ પીઠ જોવા મળે છે. આ સર્વે શક્તિ પીઠોમાં શક્તિનાં વિવિધ નામો પ્રખ્યાત છે. …

૧) હિંગળાજ- આ સ્થાન પાકિસ્તાનનાં સિંધપ્રદેશમાં કરાંચીથી થોડે દૂર આવેલ છે. અહીં માતા શક્તિ કોટ્ટવિશ અને ભગવાન શિવ ભીમલોચનનાં નામથી પ્રખ્યાત છે. પાકિસ્તાનમાં આ શક્તિપીઠ બીબી નાની મંદરને નામે પ્રખ્યાત છે. જે હિંગોર નદીનાં તટ્ટ પર આવેલ છે.

૨) શર્કરા – મહારાષ્ટ્રનાં કોલ્હાપુર શહેરની નજીક ભગવાન શિવશક્તિ ક્રોધીશ અને મહિષમર્દીનીનાં નામે બિરાજિત છે.

૩) સુગંધા- દક્ષિણ બાંગ્લાદેશમાં શેખપુર પાસે ભગવાન શિવ ત્રયંબક અને ભગવતી શક્તિ અહીં સુનંદાનાં નામે બિરાજેલ છે.

૪) અમરનાથ- કાશ્મીર પાસે, હિમાલયની બર્ફીલી હિમમાળામાં શિવશક્તિ ત્રિસંધ્યેશ્વર અને મહામાયાનાં નામે બિરાજિત છે.

૫) જ્વાલામુખી- હિમાચલ પ્રદેશનાં કાંગડામાં શિવશક્તિ ઉન્મત અને સિધ્ધીદા ભૈરવનાં રૂપમાં પ્રચલિત છે.

૬) જાલંધર- પંજાબમાં જલંધરમાં આવેલ આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભીષણ અને ત્રિપુરમાલિકાનાં નામે પ્રખ્યાત છે.

૭) વૈદ્યનાથ- ઝારખંડમાં ભગવાન શિવ અને માતા સતી વૈદ્યનાથ અને જય દુર્ગાનાં નામે પ્રખ્યાત છે.

૮) પશુપતિનાથ- નેપાળનાં કાઠમાંડુંમાં આવેલ આ શક્તિ પીઠમાં ભગવાન શિવ કપાલી મહામાયાનાં નામે પ્રખ્યાત છે.

૯) માનસ- તિબેટમાં આવેલ માનસરોવરમાં આવેલ આ શક્તિ પીઠમાં શિવ શક્તિ અમર અને દાક્ષાયનીનાં નામે પ્રખ્યાત છે.

૧૦) ઉત્કલ વિરજા- ઓરિસ્સામાં સ્થિત પૂરીમાં શિવ શક્તિ ભગવાન જગન્નાથ અને વિમલાનાં નામે બિરાજી રહેલા છે.

૧૧) ગંડકી- આ શક્તિ પીઠ નેપાળમાં આવેલ છે. અહીં શિવશક્તિ ચક્રપાણિ અને ગંડકીનાં નામે પ્રચલિત છે.

૧૨) બહુલા- દક્ષિણ બંગાળ સ્થિત આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભીરુક અને બહુલાદેવીનાં રૂપમાં પ્રખ્યાત છે.

૧૩) ઉજ્જૈની- મધ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ કપિલાંબર અને મંગલચંડિકાનાં રૂપમાં સ્થિત છે.

૧૪) ત્રિપુરા- અહીં શિવશક્તિ ત્રિપુરેશ અને ત્રિપુર સુંદરીનાં નામે પ્રચલિત છે.

૧૫) ચહલ- બાંગ્લાદેશમાં ચટ્ટ્લનાં નામે પ્રખ્યાત આ સ્થળમાં શિવ શક્તિ ભગવાન ચંદ્રશેખર અને ભવાનીનાં નામે પ્રખ્યાત છે.

૧૬) ત્રિસ્તોત્રા- પશ્ચિમ બંગાળમાં જલ્પૈગુરી સ્થિત આ શક્તિ પીઠમાં શિવશક્તિ ભૈરેશ્વર અને ભ્રામરીનાં રૂપમાં બિરાજમાન છે.

૧૭) કામાખ્યા – આસામનાં કામગિરીમાં શિવશક્તિ ભગવાન ઉમાનંદ અને કામાખ્યા દેવીનાં નામે પ્રચલિત છે.

૧૮) પ્રયાગ- અલ્હાબાદના પ્રયાગ સંગમ પર શિવ શક્તિ ભાવ અને લલિતાનાં નામે પ્રચલિત છે.

૧૯) જયંતી – આસામ સ્થિત જયંતીમાં શિવ શક્તિ ક્રમદીશ્વર અને જયંતીનાં નામે પ્રખ્યાત છે.

૨૦) યુગાદ્યા- પશ્ચિમ બંગાળ સ્થિત ખીરગ્રામમાં શિવ શક્તિ ક્ષીરખંડક અને ભૂતદાત્રીનાં રૂપમાં બિરાજમાન થયેલ છે.

૨૧) કાલીપીઠ- પશ્ચિમ બંગાલ સ્થિત કોલકત્તામાં કાલિઘાટ પર શિવ શક્તિ નકુલીશ અને કાલિકા દેવીનાં નામે પ્રચલિત છે.

૨૨) કિરીટ- બાંગ્લાદેશ સ્થિત કિરીટમાં શિવ શક્તિ સંવર્ત અને વિમલાનાં નામે બિરાજમાન છે.

૨૩) વારાણસી- વારાણસી કાશીમાં શિવ શક્તિ કાલ ભૈરવ અને વિશ્વલક્ષ્મી મણિકરણીનાં નામથી બિરાજમાન છે.

૨૪) કન્યાશ્રમ-કન્યાકુમારીમાં કન્યાશ્રમ ખાતે શિવ શક્તિ નિમિષ અને સર્વાણીનાં રૂપમાં બિરાજમાન છે.

૨૫) કુરુક્ષેત્ર- હરિયાણા સ્થિત કુરુક્ષેત્રમાં શિવ શક્તિ સ્થાણુ અને સાવિત્રીનાં નામે બિરાજમાન છે.

૨૬) મણિબંધ– રાજસ્થાનમાં પુષ્કર સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ સર્વાનંદ અને ગાયત્રીનાં રૂપમાં બિરાજમાન છે.

૨૭) શ્રી શૈલ- આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન પર્વત પાસે શિવ શક્તિ શંબરાનંદ અને મહાલક્ષ્મીનાં નામે બિરાજમાન થયેલ છે.

૨૮) કાંચી- તામિલનાડુમાં કાંચીપુરમમાં શિવશક્તિ રુરુ અને દેવગર્ભા રૂપે બિરાજમાન છે.

૨૯) કાલમાધવ- મધ્યપ્રદેશનાં અમર કંટક નદીનાં તટ્ટે ચિત્રકૂટમાં શિવ શક્તિ અસિતાંગ અને કલીનાં રૂપે બિરાજે છે.

૩૦) શોણદેશ- બિહારમાં સોનનદી પાસે આવેલ શોણદેશમાં શિવ શક્તિ ભદ્રસેન અને નર્મદાનાં રૂપે બિરાજે છે.

૩૧) રામગિરિ- મધ્યપ્રદેશ ચિત્રકૂટ પર શિવ શક્તિ ચંડભૈરવ અને શિવાનીનાં રૂપમાં બિરાજમાન છે.

૩૨) વૃંદાવન- ઉત્તર પ્રદેશ સ્થિત વૃંદાવનમાં શિવ શક્તિ ભૂતેશ અને ઉમાનાં નામથી બિરાજે છે.

૩૩) શુચિ- તામિલનાડુમાં કન્યાકુમારીમાં શિવશક્તિ સંહાર અને નારાયણીનાં રૂપમાં બિરાજમાન છે.

૩૪) પંચસાગર- શક્તિનું આ સ્થાન અજ્ઞાત છે. અહીં શિવ શક્તિ મહારુદ્ર અને બરહીનાં રૂપે બિરાજમાન છે.

૩૫) કરતોયાતટ- બાંગ્લાદેશ સ્થિત આ સ્થળ કરોટા નદીનાં તટ્ટે આવેલ છે આ સ્થળ ભવાનીપુરા તરીકે ઓળખાય છે. અહીં શિવશક્તિ વામન ભૈરવ અને અર્પણા નામે બિરાજે છે.

૩૬) શ્રી પર્વત- લદાખ સ્થિત આ શક્તિ પીઠમાં શિવ શક્તિ સુંદરાનંદ ભૈરવ અને શ્રી સુંદરીનાં નામે બિરાજે છે.

૩૭) વિભાષ- પશ્ચિમ બંગાલ સ્થિત મેદિનીપુરમાં શિવ શક્તિ સર્વાનંદ અને કપાલિનીનાં નામથી બિરાજે છે.

૩૮) પ્રભાસ- ગુજરાતમાં સોમનાથ પાસે પ્રભાસમાં શિવ શક્તિ વક્રતુંડ અને ચંદ્રભાગાનાં નામે બિરાજી રહેલા છે.

૩૯) જનસ્થળ- મહારાષ્ટ્રમાં નાસિકમાં શિવ શક્તિ વિકૃતાક્ષ અને ભ્રામરી દેવીનાં બિરાજે છે.

૪૦) વિરાટ- રાજસ્થાનમાં વિરાટમાં ભક્તો શિવ શક્તિને અમૃત અને અંબિકાનાં નામથી પ્રખ્યાત છે.

૪૧) ગોદાવરીતીર- ગોદાવરીતીરમાં શિવ શક્તિ દંડપાણિ અને વિશ્વકેશીનાં નામે બિરાજે છે.

૪૨) રત્નાવલી- ચેન્નઈ પાસે રત્નાકર નદીનાં કિનારે શિવ શક્તિ ભગવાન શિવ અને કુમારીનાં નામે બિરાજીત છે.

૪૩) મિથિલા- બિહારનાં કનકપુર મિથિલામાં શિવ શક્તિ મહોદર અને ઉમાનાં નામે બિરાજે છે.

૪૪) નલહાટી- બંગાલ કોલકત્તામાં શિવશક્તિ યોગેશ અને કાલિકાદેવીનાં નામે બિરાજે છે.

૪૫) મગધ- બિહારમાં મગધ પટનામાં શિવ શક્તિ વ્યોમકેશ અને સર્વનંદકરિનાં નામે પ્રખ્યાત છે.

૪૬) વક્રેશ્વર– વેસ્ટ બંગાલ ખાતે આ બિરાજી રહેલ આ શક્તિ પીઠમાં શિવ શક્તિને ભક્તો વક્રનાથ અને મહિષમર્દીનીનાં નામે પ્રખ્યાત છે.

૪૭) યશોર- બાંગ્લાદેશ સ્થિત ખુલનામાં શિવ શક્તિ ચંડ અને યશોરેશ્વરી નામે બિરાજી રહેલ છે.

૪૮) અટ્ટહાસ- પશ્ચિમ બંગાલ સ્થિત બીરભુંમાં શિવ શક્તિ વિશ્વેશ અને ફુલ્લરાનાં નામે બિરાજી રહેલ છે.

૪૯) નંદીપુર- પશ્ચિમ બંગાળમાં નંદીપુર ખાતે શિવ શક્તિ નંદિકેશ્વર અને નંદિનીનાં નામે બિરાજિત છે.

૫૦) લંકા- લંકા, શ્રીલંકામાં ટ્રિંકોમાલી પાસે શિવ શક્તિ રાક્ષસેશ્વર અને ઇંદ્રાક્ષીનાં નામે બિરાજે છે.

૫૧) કર્ણત- શક્તિ પીઠનું આ સ્થળ અજ્ઞાત છે

Jaydip Udhas

Author: Jaydip Bhikhubhai Udhas

Jay Mataji, Brothers & Sisters... If any suggestions pls go to 'About' page. You can directly Whatsapp or Call Me on 9033282896 / 9924222543. If u have any content to upload on our site pls send it to charanshakti.net@gmail.com